New Delhi, તા. 13
યુનિવર્સિટી અને કોલેજોમાં હવે દરેક કોર્સના વિદ્યાર્થીઓને નશાના ખતરા અને તેનાથી બચાવ વિશે ભણાવવામાં આવશે. આ માટે 2 ક્રેડિટ એટલે કે 30 કલાકનો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયનાં નિર્દેશ પર UGC એ આનો ડ્રાફ્ટ મોડેલ કરિક્યુલમ (અભ્યાસક્રમ) જાહેર કર્યો છે.
UGC એ 11 ઓગસ્ટે પબ્લિક નોટિસ જાહેર કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિષય નિષ્ણાતો, પ્રોફેશનલ્સ, સરકારી સંગઠનો, નાગરિક સમાજ સંગઠનો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. સૂચન આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
આ કોર્સ 2027-28 થી ગ્રેજ્યુએશન (સ્નાતક) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) ની તમામ સ્ટ્રીમમાં લાગું કરવાની તૈયારી છે. દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આનો અભ્યાસ ફરજિયાત રહેશે.
UGC ના જણાવ્યાં અનુસાર, આ મોડેલ કરિક્યુલમનો હેતુ ડ્રગ્સના દુરુપયોગ અંગે જાગરૂકતા વધારવાનો અને સુરક્ષિત તથા સ્વસ્થ કેમ્પસ તૈયાર કરવાનો છે. આમાં થિયરી સાથે પ્રેકિ્ટકલ પ્રવૃત્તિઓ પણ હશે. વિદ્યાર્થીઓને નશા વિરોધી અભિયાન ચલાવવા અને તેનું નેતૃત્વ કરવા જેવી પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ શરૂ કર્યું હતું અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું હતું. તેમણે યુવાનોને નશીલા પદાર્થો સામે જનભાગીદારી સાથે જન-આંદોલન ચલાવવાની અપીલ કરી હતી.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે માય ભારત (MY Bharat) દ્વારા દેશવ્યાપી અભિયાન પણ શરૂ કર્યું છે. શિક્ષણ મંત્રાલયનાં નિર્દેશ પર તૈયાર કરાયેલો આ કોર્સ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના ઉદ્દેશ્યોને અનુરૂપ છે. આનો ડ્રાફ્ટ UGC ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યો છે.

