Washington,તા. 20
અમેરિકાની સત્તા અને વૈશ્વિક તાકાતના પ્રતીક સમાન તથા દુનિયાનાં સૌથી સુરક્ષિત અને અભેદ્ય ગણાતાં રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન ‘એરફોર્સ વન’ (SAM 29000 – બોઈંગ VC-25A) એ પોતાની છેલ્લી ઉડાન ભરી લીધી છે.
ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય સુધી અમેરિકી રાષ્ટ્રપતિઓને વિશ્વનાં એક છેડેથી બીજા છેડે સુરક્ષિત પહોંચાડનાર આ દિગ્ગજ વિમાનને 35 વર્ષની બેમિસાલ સેવા બાદ વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે વિદાય આપવામાં આવી છે.
જ્યારે પણ અમેરિકી રાષ્ટ્રપતિ આ વિમાનમાં સવાર થતાં, ત્યારે હવામાં તેનું કોડ નેમ ‘એરફોર્સ વન’ થઈ જતું હતું અને આ વિમાન વૈશ્વિક મુત્સદ્દીગીરી અને અનેક ઐતિહાસિક નિર્ણયોનું મૂક સાક્ષી રહ્યું છે.
આ વિમાનનો ઈતિહાસ અત્યંત ભવ્ય રહ્યો છે, જેણે જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ (સિનિયર બુશ) ના સમયથી સેવા શરૂ કરી હતી. ત્યારપછીના ગાળામાં બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ. બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન જેવા અમેરિકાનાં અનેક શક્તિશાળી રાષ્ટ્રપતિઓએ આ વિમાનમાં આકાશની સફર ખેડી હતી.
કટોકટીના સમયમાં અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિક બેઠકો દરમિયાન આ વિમાને અમેરિકી રાષ્ટ્રપતિઓ માટે હવામાં જ એક સુરક્ષિત કંટ્રોલ રૂમ તરીકેની ભૂમિકા ભજવી હતી, જેનાં કારણે આ વિમાનનું નિવૃત્ત થવું એક યુગનાં અંત સમાન માનવામાં આવે છે.
આ વિમાનની નિવૃત્તિ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિના હવાઈ પ્રવાસમાં એક નવા અને અત્યંત આધુનિક યુગની શરૂઆત થવા જઈ રહી છે. જૂના વિમાનના સ્થાને હવે ખાસ રીતે મોડિફાય કરાયેલું નવું ‘બોઈંગ 747-8’ વિમાન અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ થશે.
આ નવું હાઈ-ટેક વિમાન વર્ષ 2026 માં જ પોતાની સેવાઓ શરૂ કરે તેવી આશા છે. આ નવું વિમાન સુરક્ષા, અદ્યતન ટેકનોલોજી, સુવિધાઓ અને ઝડપની દ્રષ્ટિએ જૂના વિમાન કરતાં અનેકગણું વધુ શક્તિશાળી અને આધુનિક હશે.

