Ahmedabad,તા.૨૦
શહેરમાં સાબરમતીથી વટવા સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીના ભાગરૂપે ૨૩થી ૨૮મી જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના આ રૂટ બંધ કરાતા વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યો છે. દિલ્હી દરવાજા, સુભાષબ્રિજથી આવતા લોકો શિલાલેખથી રિવરફ્રન્ટ થઈ એરપોર્ટ તરફ જઈ શકશે.
ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેમાં સાબરમતીથી વટવા સુધી પાયલોટિંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાની કામગીરી ચાલી છે. જેમાં ખાસ કરીને શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. જેના કારણે તારીખ ૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી વાહનની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી દરવાજાથી તથા સુભાષબ્રિજ તરફથી આવતા વાહનચાલકોને એરપોર્ટ તથા ગાંધીનગર તરફ જવા માટે શાહીબાગ શિલાલેખ ફ્લાયઓવર થઈને રિવરફ્રન્ટના માર્ગથી ડફનાળા થઈ એરપોર્ટ તરફ જઈ શકાશે તેમજ એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતા વાહનચાલકો ડફનાળાથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગે જઈ શકશે. ઉપરાંત અસારવા, ગિરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફથી જવું હોય તો શાહીબાગ થઈને મહાપ્રજ્ઞાજી બ્રિજનો ઉપયોગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે તથા ગિરધરનગર, અસારવા તરફથી આવતો ટ્રાફિક ગાંધીનગર એરપોર્ટ તરફ જવા માટે શાહીબાગ ગાયત્રી મંદિર થઈ આર્મી કેન્ટોનમેન્ટ થઈ એરપોર્ટ તેમજ ઇન્દિરાબ્રિજ તરફ જઈ શકાશે

