New Delhi,તા.18
નીટ’ પરીક્ષા પેપર લીક તથા તેના પગલે હતાશ થયેલા 20થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યાની નૈતિક જવાબદારી લઈ શિક્ષણમંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના મંચ પર ઉપવાસ કરી રહેલા લદાખના એકટીવિસ્ટ સોમન વાંગચૂકનું સ્વાસ્થ્ય લથડતા જ આજે વહેલી સવારે દિલ્હી પોલીસે સોનમ વાંગચૂકને ઉઠાવી સફદરજંગ હોસ્પીટલમાં દાખલ કરી દેવાયા છે અને ત્યાં તેઓને તાકીદની સારવાર અપાશે
તો બીજી તરફ હવે સોમવારની સંસદ કૂચના કાર્યક્રમ સામે પણ પ્રશ્ન ઉઠયા છે. દિલ્હી પોલીસે કોઈ ગડબડ સર્જાય નહી તે માટે વહેલી સવારે બહું સરળતાથી આ કામગીરી કરી હતી. વાંગચૂકના ઉપવાસનો આજે 20મો દિવસ હતો તથા તેનું વજન નવ કિલો ઘટીને 56.55 કિલો થઈ ગયુ હતું. જેમાં દિલ્હી હાઈકોર્ટે કાલે જ જીવન મહત્વનું છેતેવા વાંગચૂકના સ્વાસ્થ્યની ચિંતા કરવા જરૂર પડે તબીબી સારવાર કરવા આદેશ આપતા જ આજે સવારે પોલીસે કોઈ જાહેરાત વગર આ કાર્યવાહી કરી હતી. આ સમયે વાંગચૂકના કેટલાક ટેકેદારોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યા પણ પોલીસે પરીસ્થિતિ સંભાળી લીધી હતી તથા હવે જંતર મંતર પણ ખાલી કરવા આદેશ આપતા આ આંદોલનનો સમેટો થઈ જશે તે નિશ્ચિત છે.
દિલ્હી પોલીસે દાવો કર્યો કે, વાંગચૂકનું સ્વાસ્થ્ય સતત કથળતુ જતુ હતું તેથી દિલ્હી હાઈકોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓને સફદરજંગ હોસ્પીટલમાં સારવાર અપાઈ રહી છે.બીજી તરફ આ આંદોલનના પ્રણેતા અભિજીત દિપકે દાવો કર્યો કે, દિલ્હી પોલીસ વાંગચૂકને ધસડીને લઈ ગઈ હતી. સવારે 7 વાગ્યે જ પોલીસે આ કાર્યવાહી કરી હતી. જો કે પોલીસે સ્પષ્ટ કર્યુ કે વાંગચૂકને સ્ટેચરમાં ખસેડાયા હતા તથા એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા.આંદોલનના ટેકેદારોએ થોડો સમય હંગામો કર્યો પણ પોલીસે તુર્તજ જંતર મંતર પર આંદોલન સ્થાપીને કબ્જો લઈ લીધો હતો તથા સમગ્ર આંદોલન સ્થળ ખાલી કરાવાઈ રહ્યું છે.
ગઈકાલે સરકારે જ હાઈકોર્ટમાં વાંગચૂકને તાત્કાલીક તબીબી સારવારની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રવકતા સૌરવ દાસે સોશ્યલ મિડીયા પર વિડીયો દર્શાવીને જણાવ્યુ હતું કે કેટલાક યુનિફોર્મ તો અન્ય સાદા ડ્રેસમાં આવેલા દિલ્હી પોલીસના જવાનોએ સ્ટેજ પર જઈ વાંગચૂકને બળજબરીથી ઉઠાવીને લઈ જવાયા છે.
મારી સાથે મારપીટઃ અટકાયતઃ પોલીસે લાઠીચાર્જ કર્યો : અભિજીત
શિક્ષણમંત્રીના રાજીનામા સાથે આંદોલનનો પ્રારંભ કરનાર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે દાવો કર્યો કે વાંગચૂક સરને ઘસડીને લઈ જવાયા હતા તથા પોલીસે મને પણ માર મારી અટકાયત કરી છે.
દિલ્હી હાઈકોર્ટના આદેશથી કાર્યવાહી : દિલ્હી પોલીસ
આજે સવારે સોનમ વાંગચૂકને બળજબરીથી હોસ્પીટલમાં દાખલ કરવા મુદે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ વાંગચૂકના કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી થઈ છે

