Ahmedabad,તા.17
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક ખાનગી વિવાદમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલ સામે લાલ આંખ કરી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને આ મામલે તપાસના આદેશ આપતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં સરકારનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જ્યારે સરકારી વકીલની કચેરી અને કાયદા વિભાગ દ્વારા અપીલ ફાઇલ કરવા અંગે બે-બે વાર નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યા હતા, તેમ છતાં મહેસૂલ વિભાગે લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવાનો આગ્રહ શા માટે રાખ્યો.
આ કિસ્સો એક મહિલા અને તેના ભાઈ વચ્ચેના જમીન વિવાદનો છે, જેમાં સિવિલ કોર્ટે સંમતિ હુકમનામું આપ્યું હોવા છતાં મહેસૂલ અધિકારીઓએ જમીન પરિવર્તનનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લેતા જણાવ્યું કે જે વિવાદો સંપૂર્ણપણે ખાનગી છે.
જેમાં સરકારને કોઈ સીધી લેવાદેવા નથી, તેમાં બિનજરૂરી રીતે અપીલ કરીને અદાલતનો સમય કેમ બગાડવામાં આવે છે તે સમજવું મુશ્કેલ છે. અદાલતે મહેસૂલ વિભાગ પાસે આ અંગે યોગ્ય ખુલાસો માંગ્યો છે અને અધિક મુખ્ય સચિવે આ પ્રક્રિયાની તપાસ કરી પોતાનું વ્યક્તિગત સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
નોંધનીય છે કે, માત્ર એક મહિના અગાઉ પણ હાઈકોર્ટે આવા જ એક સમાન કિસ્સામાં સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. અગાઉના કિસ્સામાં પણ સરકારે ખાનગી પક્ષકારો વચ્ચેના કેસમાં હસ્તક્ષેપ કરીને અપીલ કરી હતી જે અદાલતે ફગાવી દીધી હતી.
વારંવાર પુનરાવર્તિત થતા આ વલણને કારણે હાઈકોર્ટે હવે જવાબદાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર મામલાની વધુ સુનાવણી હવે આગામી 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારના અહેવાલના આધારે કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.

