New Delhi,તા.15
ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 0.83 ટકા પર પહોંચી ગઈ છે. આ આઠ મહિનામાં સૌથી ઉંચુ સ્તર છે, ખાવા-પીવાની વસ્તુ મોંઘી થવાથી મોંઘવારી વધી છે.
આ પહેલા નવેમ્બરમાં તે 0.32 ટકા પર હતી. જયારે ઓકટોબરમાં તે -1.21 ટકા પર આવી ગઈ હતી. ખાદ્ય પદાર્થો, બિન ખાદ્ય વસ્તુઓ અને નિર્મિત વસ્તુઓની કિંમતોમાં માસિક આધારે વધારાથી વૃદ્ધિ નોંધાઈ છે. ડિસેમ્બર 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 2.57 ટકા હતી.
રોજની જરૂરિયાતવાળા સામાનોની મોંઘવારી -2.93 ટકાથી વધીને 0.21 ટકા થઈ ગઈ. જયારે ખાવા-પીવાની વસ્તુની મોંઘવારી -2.60થી વધીને શૂન્ય થઈ ગઈ, ઈંધણ અને ઉર્જાની જથ્થાબંધ મોંઘવારી દર -2.27 ટકાથી ઘટીને 2.31 ટકા રહ્યો. નિર્મિત ઉત્પાદનોનો જથ્થાબંધ મોંઘવારી દર 1.33 ટકાથી વધીને 1.82 ટકા રહ્યો.
અખાદ્ય વસ્તુઓની શ્રેણીનો મોંઘવારી દર ડિસેમ્બરમાં 2.95 ટકા રહ્યો. જયારે નવેમ્બરમાં તે 2.27 ટકા હતો. આ કારણે તેની અસર જથ્થાબંધ મોંઘવારી પર વધુ દેખાઈ છે.
ખાવા-પીવાની વસ્તુઓ પર અસરઃ શાકભાજી, ઈંડા, દાળ સહિત રસોઈની જરૂરી વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિના કારણે ગત મહિને ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે 1.33 ટકા પર પહોંચી ગયો હતો. આથી ગત મહિને નવેમ્બરમાં છુટક મોંઘવારીનો દર 0.71 ટકા હતો.
આ પહેલા ઉચ્ચ સ્તર સપ્ટેમ્બર મહિનામાં 1.44 ટકા નોંધાયો હતો. કેન્દ્ર સરકારે સોમવારે તેના આંકડા જાહેર કર્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે છુટક મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
આમજન પર અસરઃ જથ્થાબંધ મોંઘવારી લાંબો સમય વધવાથી ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડી શકે છે. જો જથ્થાબંધ મુલ્ય ખૂબ જ લાંબા સમય સુધી ઉંચા સ્તરે રહે છે તો ઉત્પાદક બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર માત્ર ટેકસના માધ્યમથી મોંઘવારીને નિયંત્રીત કરી શકે છે.

