દેશમાં કોઈ મહિલા એટર્ની જનરલ બની નથી, કાનૂની વ્યવસાયમાં મહિલાઓ અંગે કરાયેલા સર્વેના અનુસંધાને Supreme Courtમાં જાહેર હિતની અરજી
New Delhi તા.૨૧
ભારતની સર્વોચ્ચ અદાલતે બુધવારે કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. આ જાહેર હિત અરજીમાં દેશભરમાં સરકારી વકીલોની પેનલ અને કાનૂની અધિકારીઓની નિમણૂકમાં મહિલા વકીલો માટે ઓછામાં ઓછા ૩૦ ટકા અનામત સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે.ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની બેન્ચે મામલાની ટૂંકી સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો.
ટૂંકી સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અને Supreme Court બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે કાનૂની ક્ષેત્રમાં મહિલાઓને આવતી મુશ્કેલીઓ અંગેના તાજેતરના સર્વેનો ઉલ્લેખ કર્યો અને સર્વોચ્ચ અદાલતને સરકારી કાનૂની પેનલ તથા કાનૂની અધિકારીઓની નિમણૂકમાં મહિલાઓને વધુ સ્થાન આપવા વિનંતી કરી. તેમણે રજૂઆત કરતાં કહ્યું, “આ એસોસિયેશન દ્વારા કાનૂની વ્યવસાયમાં મહિલાઓ અંગે કરાયેલા સર્વેના અનુસંધાને છે. તેમને સરકારી પેનલોમાં સામેલ કરવાની જરૂર છે.” રજુઆતો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેન્ચે મામલાની સુનાવણી કરવા સંમતિ આપી અને આગામી અઠવાડિયે વધુ સુનાવણી માટે યાદીબદ્ધ કર્યો. લાડલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં “તમામ હાઈકોર્ટ પેનલ, સરકારી કાનૂની અધિકારીઓના પદો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો/જાહેર ક્ષેત્રની સંસ્થાઓની કાનૂની પેનલોમાં મહિલા વકીલો માટે ઓછામાં ઓછા ૩૦ ટકા અનામત અમલમાં મૂકવા” દિશાનિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે.સરકારી કાનૂની પેનલ અને કાનૂની અધિકારીઓની નિમણૂકો બંધારણીય અદાલતો, ટ્રિબ્યુનલ અને અન્ય ન્યાયિક મંચો સમક્ષ રાજ્યના કાનૂની પ્રતિનિધિત્વનો મહત્વપૂર્ણ ભાગ છે, તેથી તેમાં સમાનતા અને યોગ્ય પ્રતિનિધિત્વના બંધારણીય સિદ્ધાંતો હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બાર કાઉન્સિલ તથા ગવર્નિંગ બોડીમાં મહિલાઓ માટે અનામત રાખવાના નિર્દેશ આપ્યા હતા. તેનો સંદર્ભ આપીને આ પ્રકારના પગલાં સરકારી પેનલમાં ભરવા માટે દાદ માગવામાં આવી હતી. અરજીમાં થયેલી રજૂઆત મુજબ, સ્વતંત્ર ભારતમાં કોઈ પણ મહિલાએ એટર્ની જનરલ કે સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપેલી નથી. દેશની વિવિધ હાઈકોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ કોઈ મહિલા કાર્યરત નથી.

