ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
એપ્રિલ મે સુધી લગભગ બધા વિદ્યાર્થીઓને વેકેશન હોય! વૈશાખમાં સખ્ત તાપ પડે, અને આવી ગરમીમાં વિદ્યાર્થીઓને ઘરે રહેવા મળે, એ હેતુ પણ વેકેશન પાછળ ખરો! આ મહત્વાકાંક્ષી યુગમાં હવે એવું રહ્યું નથી! ખેર છોડો! મૂળમાં વેકેશનની મોટેભાગે બધાં જ વિદ્યાર્થીઓ રાહ જોતાં હોય, સવારે વહેલાં ઉઠવાનું નહીં! ભણવાને લગતું ઘરકામ કરવાનું નહીં! પનિશમેન્ટ ની કોઈ ચિંતા નહીં! અને પાછું ઠંડા શરબત, શેરડીનો રસ, ગોળા, ગુલ્ફી, આઈસ્ક્રીમ, શ્રીખંડ, તરબૂચ, ટેટી, કેરી, કેરીનો રસ એવાં ટાઢક કરતાં પદાર્થો પરિવારની આર્થિક સ્થિતિ મુજબ મળે! જોકે માબાપ હંમેશાં પોતાની હેસિયતથી વધુ જ સંતાનો માટે કરતાં હોય! પહેલાં આવો વેકેશન કોર્સ કરવાની કે વેકેશનમાં ફરવાં જવાનું એ સ્ટેટ્સનો વિષય નહોતો! ધનવાનોમાં હિલ સ્ટેશન પર ફરવાં જવાનો ટ્રેડ હતો! બહું બહું તો નાનાં કે મામા ઘેર જવાનું! અને એ મજા જ કંઈક જુદી હતી! પણ હવે દેશમાં ફરવું એની કરતાં વિદેશ જાય તો કંઈક સ્ટેટ્સ! એવું પણ થતું જાય છે! એકબાજુથી આટલી કાળઝાળ મોંઘવારી! ઉપરથી મોંઘુ થતું જતું શિક્ષણ અને એનાં ખર્ચ એમાં આ વેકેશન! મોટા પગારની નોકરી વાળા માટે રજાઓ મળવી પણ અઘરું! અને એમાં પણ સીંગલ મધરની મનોદશાને વર્ણવતો એક કિસ્સો.
પુનિતા ઓફિસેથી આવીને સીધી જ પોતાનાં રુમમાં ચાલી ગઈ, અને લગભગ પંદર મિનિટ સુધી રુમમાંથી જુદી જુદી વસ્તુઓનાં તૂટવાનો અને ઘા કરવાનો અવાજ આવ્યો! એક કલાક પછી રુમનું બારણું ખુલ્યું અને પુનિતા કિચનમાં પ્રવેશી અને જોયું તો બિલકુલ એને ભાવે નહીં તેવું જમવાનું હતું! વળી એક કાચની ડીશનો ભોગ લેવાયો, અને ફોન હાથમાં લઈને એક પિત્ઝા પાર્સલ કર્યા, પુનિતાનાં પપ્પા ક્યારનાં આ બધું જોતાં હતાં, અંતે એણે હિમ્મત કરી પુછ્યું બેટા થયું છે શું? કે તું આટલી ડિસ્ટર્બ છો! એણે પગ પછાડ્યા અને કહ્યું કે મારી લીવ કેન્સલ થઈ ગઈ! આ વખતે પણ વેકેશન નહીં થાય! પૃથ્વીને પાક્કું પ્રોમિસ કર્યું હતું કે મમ્મા આ વખતે વેકેશન કરવા લઈ જશે! પણ પુનિતા એ બે વીકની રજા મુકી હતી, તું વાત કરી જો કદાચ એક વીક ની મળી શકે તો …. પપ્પા મારે પૃથ્વીને યુરોપ લઈ જવો છે, એનાં પપ્પાએ એટલે કે પ્રિતમ એ મને ચેલેન્જ આપી હતી કે તું એની કસ્ટડી માટે શા માટે લડે છે, તારી પાસે એવી જોબ નથી, તું એનો યોગ્ય ઉછેર નહીં કરી શકે! અને ત્યારથી મેં એ ચેલેન્જ સ્વીકારી લીધી હતી, કે હું પૃથ્વીને એ બધું આપીશ જે એનો ધનવાન પપ્પા એ આપ્યું હોત! પણ બેટા તેં પૃથ્વીને એનાથી પણ વધુ આપ્યું છે, હું સાક્ષી છું એનો! બેટા આ વખતે એક વીકની રજામાં તું પૃથ્વીને હિમાચલ પ્રદેશ કે પછી દુબઈ! આંદામાન નિકોબાર કે લક્ષદ્વીપ લઈ જા, પછી રજા મળે એટલે યુરોપ જજે! આટલાં બધાં અવાજમાં પૃથ્વી જાગી ગયો, અને મમ્મીને આટલી ગુસ્સામાં જોઈ ડરી ગયો. એને ખબર પડી કે વેકેશનનો જે પ્લાન કર્યો હતો, એ ફેઇલ થયો! એટલે.. એણે મમ્મી પાસે જઈને કહ્યું મમ્મા આ વખતે આમ પણ મામા ને મેં દુબઈ આવવાનું પ્રોમિસ કર્યું છે, આપ મને ત્યાં મુકી જજો, પછી પાછાં રજા મળે એટલે લઈ જજો! હું અને પરિતા ખૂબ એન્જોય કરીશું! નાનું પણ આવશે! નાનું આવશો ને! દીકરાની સમજદારી જોઈ પુનિતા પૃથ્વીને ભેટીને રડી પડી, એટલે પૃથ્વી એ કહ્યું મમ્મા જ્યારે જઈએ ત્યારે, યુરોપ તો હું તમારી સાથે જ આવીશ!
પૃથ્વી નાનો હતો, પણ એને મમ્મી પપ્પાનાં ઝઘડા અને છૂટાં પડવું, બધું જ યાદ હતું ! વાતવાતમાં પપ્પાનું મમ્મીને મારવું, રાડો પાડવી, ડ્રીંક કરીને આવવું, અને પાર્ટીમા જુદી જુદી આન્ટી સાથે ડાન્સ કરવો, કોઈ ઘરે આવે ત્યારે મમ્મીને કામવાળી, રસોઈ વાળી, વગેરે કહી બોલાવવી! ચા આપતા ઢોળાય તો ગરમ ગરમ ચા હાથ પર ઢોળવી વગેરે.. મમ્મીનું એજ્યુકેશન કંઈ ઓછું નહોતું, પણ લગ્ન માટે એણે સમાધાન કર્યું! અને હસતે મોઢે બધું જતું કર્યું! પણ એના સમર્પણનો બદલો આવો પણ મળી શકે, એવું એણે ધાર્યું નહોતું! લવ મેરેજ ને કારણે પ્રિતમનાં મમ્મી પપ્પા પણ એને તિરસ્કૃત કરતાં હતાં, અને આપણાં ખાનદાન મુજબ વહુંમાં જોઈએ એવી મર્યાદા નથી! પુનિતા એ વિચાર્યું કે, આ બધું મારે સહન કરવાની જરૂર નથી! હું વેલ એજ્યુકેટેડ છું! આજે પણ મારી કેરિયરને અપડેટ કરીને જોબ કરી મારું અને મારાં બાળકનું ભરણપોષણ કરી શકું એમ છું! જોકે પપ્પાની બધી મૂડી મમ્મીની કેન્સરની બીમારીમાં ખર્ચાઈ ગઈ હતી, અને ભાઈનું ભણવાનું ચાલુ હતું! છતાં એ જે કંઈ થાય એ! એમ વિચારીને ડિવોર્સ માટે અરજી કરી દીધી! પ્રિતમ પુનિતાનાં આત્મવિશ્વાસને તોડવા માટે, માતા આર્થિક રીતે સદ્ધર નથી, એટલે પૃથ્વીની કસ્ટડી પોતે રાખશે, એવી સામી અરજી કરી! કેટલીયે દલીલોને અંતે છ વર્ષનાં પૃથ્વીને પુછવામાં આવ્યું! કે બેટા તારે પપ્પા સાથે રહેવું છે કે મમ્મી સાથે? અને એણે “મમ્મા” કહ્યું! અને આમ પુનિતાને પૃથ્વી મળ્યો. પુનિતા એ પ્રિતમને એલીમનીની પણ ના પાડી દીધી, ત્રણ મહિનાની કડી મહેનતે પુનિતાને એક કંપનીમાં જૂનીયર ક્લાર્કની જોબ મળી! એણે ફાઈનાન્સમાં એમબીએ કર્યું હતું, એટલે એક વર્ષમાં તો એ મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નિયુક્ત થઈ ગઈ! અને આર્થિક સંકટ તો ટળી ગયું! પછી તો મામા ની જોબ, એનાં લગ્ન! મોટું ઘર બધું જ સરખું થતું ગયું! પ્રિતમ કોર્ટનાં નિયમ મુજબ પૃથ્વીને એક વીક પોતાની સાથે રાખી શકે! અને ગયા વખતે પૃથ્વી ગયો ત્યારે, આવતે વખતે વેકેશનમાં યુરોપ લઈ જવાની તૈયારી દાખવી! પુનિતાને એમ થયું કે આ રીતે લલચાવીને પ્રિતમ પૃથ્વીને એક દિવસ પડાવી લેશે! અને એટલે એ રજા ન મળવાથી એ આટલી બધી અપસેટ થઈ ગઈ હતી! એને એટલે આ વખતે પૃથ્વીને યુરોપ ટ્રીપ પર લઈ જવો હતો! પણ છ થી દસ વર્ષ એટલે કે ચાર વર્ષથી મમ્મીની સંઘર્ષની જર્નીથી પૃથ્વી ક્યાં અજાણ હતો! અને એટલે જ એણે જ મમ્મીની ચિંતા દૂર કરવાં સમજદારી દાખવીને દુબઇ જશે એમ જાહેર કરી દીધું!
છેલ્લા દસ વર્ષમાં ભારતે જેટલો વિકાસ કર્યો એની કરતાં વધુ ભારતીય સમાજે આધુનિકતા ને સ્વીકારી છે! અને એમાં આંતર જ્ઞાતિય અને આંતર રાષ્ટ્રીય લવ મેરેજ થવા, નાની નાની વાતે લગ્ન જીવનનું તૂટવું! વગર લગ્ને સાથે રહેવું! બ્રેક અપ થવો! કુંવારી માતા બનવું! કે પછી સમલૈંગિકતા ને સ્વીકારવી! કારણ ગમે તે હોય! લગ્ન તૂટે, અને બાળકની જવાબદારી મા સ્વીકારે, કંઈપણ થાય એટલે મા જવાબદાર! જોયું એકલા હાથે ઉછેરવા નીકળી હતી! પણ આવું શું કામ? શું કામ ?
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

