માર્ગ અને મકાન મંત્રી ઋષિકેશભાઈ પટેલને પ્રા. જે.એમ. તળાવિયાની રજૂઆત
ટ્રાફિક ભારણ અને અકસ્માતની ભીતિ વચ્ચે અમરેલીથી બાબરા સુધીનો માર્ગ તાત્કાલિક વિસ્તૃત કરવા માંગ
milap ruparel,Amreli તા.25
અમરેલીથી બાબરા વચ્ચે આવેલ નેશનલ હાઈવેને ફોર લેન માર્ગ બનાવવામાં આવે તેવી જોરદાર માંગ અમરેલી ચિતલ અને બાબરા પંથકમાંથી ઉઠવા પામેલ છે. ત્યારે અમરેલીના સામાજિક આગેવાન પ્રા. જે.એમ. તળાવિયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી ઋષિકેશભાઈ પટેલને એક પત્ર પાઠવી અમરેલી-બાબરા માર્ગને તાત્કાલિક ધોરણે ફોર લેન બનાવવાની જોરદાર રજૂઆત કરી છે. સાથે સાથે આ મુદ્દે અમરેલીના ધારાસભ્ય અને ઉર્જા અને કાયદામંત્રી કૌશિકભાઈ વેકરીયા રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ પત્ર પાઠવી આ અંગે રજુઆત કરવામાં આવેલ છે.
પ્રા. તળાવિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, અમરેલીથી ચિતલ, બાબરા, આટકોટ, રાજકોટ, ધ્રોલ, જોડિયા, જામનગર, ખંભાળિયા, દ્વારકા, ઓખા, ટંકારા, મોરબી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, માંડવી, નારાયણ સરોવર, નવલખી, માતાના મઢ, જસદણ, ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર, મૂળી અને ધ્રાંગધ્રા જેવા મહત્વના જિલ્લા તથા તાલુકા મથકો તરફ જવા માટે મોટી સંખ્યામાં વાહન વ્યવહાર અમરેલી-બાબરા માર્ગ પરથી પસાર થાય છે.
ત્યારે અમરેલીથી બાબરા વચ્ચેનું અંદાજે ૩૦થી ૩૨ કિલોમીટરનું અંતર હાલમાં ડબલ પટ્ટી માર્ગ હોવાથી વાહન ચાલકો માટે આ માર્ગ ઉપરથી પસાર થવું ખુબ જ મુશ્કેલી રૂપ બન્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ માર્ગ ઉપર ભારે ટ્રાફિકના કારણે આ માર્ગ પર સતત અકસ્માતનો ભય રહે છે. અને ઓવરટેકિંગ દરમિયાન અકસ્માતની શક્યતા વધી રહી હોવાનું પણ ઉલ્લેખાયું છે. હાલમાં અમરેલીથી બાબરા વચ્ચેનું અંદાજે ૩૦થી ૩૨ કિલો મીટરનું અંતર કાપવામાં અંદાજે ૩૫ થી ૪૫ મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ માર્ગ સ્ટેટ હાઈવે નં. ૩૧ તરીકે ઓળખાતો હતો, પરંતુ વર્ષ ૨૦૧૮ બાદ રાજ્યના અનેક સ્ટેટ હાઈવેઝને નેશનલ હાઈવેમાં અપગ્રેડ કરવામાં આવતા આ માર્ગ હવે નેશનલ હાઈવે નં. ૩૫૧ તરીકે ઓળખાય છે.
મહુવાથી શરૂ થતો આ હાઈવે સાવરકુંડલા, અમરેલી, ચિતલ, બાબરા, આટકોટ અને ગોંડલ થઈને જેતપુર સુધી પહોંચે છે, જેના કારણે આ માર્ગનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું વધી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલીથી બાબરા વચ્ચેનો માર્ગ તાત્કાલિક ફોર લેન બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે, અકસ્માતોની સંભાવના ઘટશે અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ વચ્ચેનું પરિવહન વધુ સુગમ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

