New Delhi,તા.19
સુપ્રીમ કોર્ટે બેનામી સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે જો કોઈ સંપત્તિ બેનામી વ્યવહાર હેઠળ ખરીદવામાં આવી હોય, તો તેના પર પાછળથી વસિયતનામું અથવા અન્ય દસ્તાવેજો દ્વારા માલિકી હકનો દાવો કરી શકાય નહીં.
અદાલતે સ્પષ્ટ કર્યું કે, બેનામી કાયદાથી બચવા માટે વિલનો સહારો લેવો સ્વીકાર્ય રહેશે નહીં. જસ્ટિસ મહાદેવનની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે જો સંપત્તિ અન્ય કોઈનાં નામે ખરીદવામાં આવી હોય અને અસલી નાણાં કોઈ બીજી વ્યક્તિએ લગાવ્યાં હોય, તો તેને બેનામી વ્યવહાર ગણવામાં આવશે.
આવા કિસ્સાઓમાં ‘ફિડ્યુશિયરી રિલેશનશિપ’ એટલે કે વિશ્વાસ આધારિત સંબંધનો દાવો ત્યારે જ માન્ય રહેશે, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિનાં હિતોનું રક્ષણ કરવા માટે કાનૂની રીતે બંધાયેલી હોય.
અદાલતે નોંધ્યું કે આ કેસમાં પક્ષકારો વચ્ચે માત્ર વ્યાપારી સમજૂતી અને એમઓયુ હતાં, તેથી તેને વિશ્વાસનો સંબંધ માની શકાય નહીં. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય રદ કરતાં કહ્યું કે વસિયતનામું બતાવીને અસલી માલિકી હક માંગી શકાય નહીં.
કેન્દ્રને આઠ અઠવાડિયાનો સમય આપ્યો
સર્વોચ્ચ અદાલતે બેનામી કાયદાની કલમ 27 હેઠળ સંપત્તિને જપ્ત કરવા પાત્ર ગણી છે. તેને કેન્દ્રને સંચાલકની નિમણૂક કરવા અને આઠ અઠવાડિયાની અંદર સંપત્તિનો કબજો લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એકવાર ટ્રાન્ઝેક્શનને ન્યાયિક રીતે બેનામી જાહેર કરવામાં આવે છે, ભવિષ્યમાં તે જ આધારે કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહીં

