(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧૦
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તા.૧૦ સપ્ટેમ્બરના રોજ ચેરમેન પીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કમિટીના કુલ ૮ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની અને આસીસ્ટન્ટ કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત જામનગર સિવિલ ગાર્ડન શાખા માટે હાઈડ્રોલિક બે ટ્રીમિંગ મશીન ખરીદવા તેમજ ત્રણ વર્ષ માટે એજન્સી મારફત બે ડ્રાઈવર ઉપલબ્ધ કરાવવાના કામ માટે રૂા.૩૫.૮૪ લાખના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. લોકભાગીદારી યોજના અંતર્ગત વોર્ડ નં.૧૧માં ગોકુલ હોન્ડા શો-રૂમથી તીર્થ રેસિડેન્સી તથા રાજમોતી બંગ્લોઝ તરફ જતા ટી.પી. સ્કીમ નં.૬માં સીસી રોડ બનાવવાના કામની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ની આંતરમાળખાકીય સુવિધા ગ્રાન્ટ અંતર્ગત રૂા.૨૭૭.૩૯ કરોડના કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરી સડક યોજના હેઠળ રૂા.૫૨.૪૪ કરોડના તથા આઉટ ગ્રોથ વિસ્તારના કામો માટે રૂા.૬૯.૦૧ કરોડના કામોનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૫-૨૬ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૨ ખાતે ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ વોલના કામમાં બચત રકમમાંથી વધારાના કામ માટે રૂા.૩.૨૨ લાખના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ડામર રોડ અથવા સીસી રોડના કામ દરમિયાન હાલની પાણીની લાઈન બદલાવવાની થાય ત્યારે વોટર કનેક્શન ટ્રાન્સફર કરવા અંગેની દરખાસ્તને ભલામણ સાથે જનરલ બોર્ડમાં રજૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.
શ્રાવણી લોકમેળો-૨૦૨૬ અંતર્ગત સ્ટેજ મંડપના કામ માટે રૂા.૧૦.૭૨ લાખના ખર્ચની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ અંદાજિત રૂા.૩૯૯.૩૧ કરોડના કામોને લગતી દરખાસ્તો પર નિર્ણય લેવાયો હતો. જેમાં રૂા.૩૯૮.૮૧ કરોડના કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર અને રૂા.૫૦ લાખની ખર્ચ મંજૂરીનો સમાવેશ થાય છે.

