Morbi, તા.13
મોરબીમાં જાંબુડીયા ગામ નજીક આવેલ હ્યુન્ડાઇના શોરૂમની સામે સર્વિસ રોડ ઉપર બે બાઇક અથડાતા યુવાનને બ્રેન હેમરેજ ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે. મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા શૈલેષગર અરજણગર રામદતી (31)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક નંબર જીજે 36 એએન 5859 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.
નવલખી ચોકડી પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણગર પ્રેમગર મેઘનાથી બાઈક નંબર જીજે 10 ડીએફ 9401 લઈને જાંબુડીયા ગામ પાસે આવેલ હ્યુન્ડાઇના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આરોપી તેનું બાઈક લઈને આવતો હતો અને તેણે પ્રવીણગરના બાઇકને હડફેટે લેતા પ્રવીણભાઈને બ્રેન હેમરેજ થયેલ છે જેથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
રીક્ષામાંથી પડી જતા સારવારમાં
મોરબીના અણીયારી-જેતપર હાઇવે ઉપર રિક્ષામાંથી પડી જતા કરીમભાઈ સિદ્દીકભાઈ કટિયા (27) રહે.માળીયા મિંયાણા દરગાહ પાસે ને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં રાધે રેસીડેન્સીમાં રહેતા કાજલબેન જતીનભાઇ જગદીશભાઇ જોશી નામના 45 વર્ષીય મહિલા કોઈ કારણોસર વધુ પડતી બીપીને લગતી દવા પી ગયા હોય તેમને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.
જ્યારે રામચોકના ઢાળિયા પાસે બાઇક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવતા જીવણભાઈ મેપાભાઇ રબારી (70) રહે.કાલિકા પ્લોટને પણ અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પડસુંબીયા (47)ને નાની કેનાલ રોડ તુલસી ગ્રીન એપાર્ટમેન્ટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.

