Veraval,તા.4
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ ના કાજલી યાર્ડ નજીક એક બાઈક સવાર યુવક દ્વારા કરવામાં આવેલો જીવલેણ સ્ટંટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારની જોખમી હરકત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પુરપાટ ઝડપે ચાલતી બાઈક પર સીટ પર ઊભો થઈ જાય છે અને બંને હાથ ફેલાવી સ્ટંટ કરે છે. આ દ્રશ્યો હાઈવે પર પાછળ આવી રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. સામાન્ય સંતુલન ગુમાવતા જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવા છતાં યુવક બેફામ બનીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો જોવા મળ્યો હતો.
પોલીસે વાઈરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે. બાઈક નંબર અને અન્ય વિગતોના આધારે યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

