Bhuj,તા.૨૨
કચ્છ જિલ્લાના રાપર શહેરમાં સામાન્ય બોલાચાલી એક ક્ષણમાં જ હિંસક ઘટનામાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. માત્ર છાશ માંગવાની બાબતે શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ૨૫ વર્ષીય યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પિતાની નજર સામે જ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાએ સ્થાનિક લોકોને હચમચાવી દીધા છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ કચ્છના રાપરના દુબરીયાવાડી વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરતો મહેબૂબ રિયાસતઅલી શેખ સ્થાનિક ચિકન બિરયાનીની દુકાનમાં પોતાના પિતા અને નાના ભાઈ સાથે કામ કરતો હતો. ગુરુવારે સાંજના સમયે દુકાન પર જમવા આવેલા એક શખ્સ સાથે છાશ અને બિરયાની મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર લાગતી આ ઘટના થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.
ગંભીર હાલતમાં મહેબૂબને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતના સમાચાર ફેલાતા જ રાપર શહેરમાં શોક અને રોષની લાગણી પ્રસરી ગઈ હતી. સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે અચાનક દુકાનમાં ઘૂસી મહેબૂબ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે મહેબૂબ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. પિતા અને નાના ભાઈએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરે બેફામ રીતે હુમલો ચાલુ રાખ્યો હોવાનું કહેવાય છે.
આ ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે તેમજ દુકાન નજીક હાજર રહેલા લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસના આધારે ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે રાપર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાદલપર પીંછાણા ગામના રહેવાસી ૨૬ વર્ષીય નરેશ લખમણ કોલી અને ૧૯ વર્ષીય સંજય જેરામ કોલીની અટકાયત કરી છે. ઉપરાંત એક બાળ કિશોરને પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

