Morbi, તા.11
વાંકાનેરના સરતાનપર ગામની સીમા આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના ઘરની આર્થિક પરિસિ્થતિ સારી ન હતી અને યુધ્ધની અસરના લીધે ગેસ મળી રહ્યો નથી જેથી સિરામિકના કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે રોજગારી મળવાનું ટેન્શન તે યુવાનને થવા લાગ્યું હતું જેથી યુવાને લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં સરતાનપર ગામની સીમમાં આવેલ ઇટાલીનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શોભીત બસંતાભાઇ (22) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો.
ત્યારે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર.બેરાણી દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને હાલમાં સીરામીક કારખાના બંધ થઈ રહ્યા છે.
ત્યારે આ યુવાનને રોજગારી ન મળવાનું ટેન્શન થતા તેને મનોમન લાગી આવ્યું હતું જેથી યુવાને જાતે લેબર કવાર્ટરમાં અંતિમ પગલું ભરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે જુગારના આંકડા લેતા મનોજભાઈ બચુભાઈ ગોસાઈ (38) રહે. નાની વાવડી ગાયત્રી સોસાયટી મોરબી વાળો મળી આવતા પોલીસે 700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

