Surat,તા.૧૨
શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુરુવારે રાતે પોલીસે નશાની દુનિયામાં ભારે ફટકો માર્યો છે. શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવનારા એક મોટા રેકેટનો પર્દાફાશ થતાં ક્રાઈમ બ્રાન્ચે હાઇબ્રીડ ગાંજાના રૂ. ૫૯ લાખથી વધુના જથ્થા સાથે બે ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે.
પોલીસની વિગતો મુજબ, ગુપ્ત બાતમીના આધારે તા. ૯ મેની રાતે પાંડેસરા એલ.આઈ.જી. ગુજરાત હાઉસીંગ સ્કીમના બિલ્ડીંગ નંબર એલઆઇજી-૪૩૨ બી/૨૨૨ના ધાબા પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી બે શખ્સો આદિત્ય ઉર્ફે આદી અને પીયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંસને ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેની તલાશી લેતા તેમના કબ્જામાંથી ૧ કિલો ૯૮૫ ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેનું બજારમૂલ્ય રૂ. ૫૯,૫૫,૦૦૦ થાય છે. વધુમાં, તેમના પાસેથી મોબાઇલ ફોન, રૂ. ૪૦૦ રોકડા અને નશાના વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી બ્રાઉન કલરની બેગ પણ કબ્જે લીધી છે. કુલ મળીને પોલીસએ રૂ. ૫૯,૭૦,૪૦૦ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લીધા છે.
આદિત્ય ઉર્ફે આદી (ઉમર ૨૫ વર્ષ), મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ફુલપુર તાલુકાના હેતાપટ્ટી ગામનો રહેવાસી છે. હાલ સુરતના પાંડેસરાના લાઈનો વિસ્તારમાં પોતાનું નશાનું જાળું ચલાવી રહ્યો હતો. જ્યારે પીયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંસ (ઉમર ૨૩ વર્ષ), મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રાજવાડા ચૌહાણ ગામનો રહીશ છે અને હાલમાં પાંડેસરાના એલઆઈજી ક્વાર્ટર્સમાં વસવાટ કરી રહ્યો છે.
પોલીસની તપાસ હવે વધુ ઊંડાણમાંક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે, આ હાઇબ્રીડ ગાંજાનું જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવા જઇ રહ્યા હતા, તેની કડી શોધવામાં આવી રહી છે. તજજ્ઞ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે સુરતમાં આવા નશાવાળા હાઇબ્રીડ ગાંજાનું નેટવર્ક કોઈ મોટું ગેંગ સંચાલિત કરી રહ્યું છે, જે શહેરના અનેક યુવાનોએ નશાની આફતમાં ધકેલી રહ્યાં છે.એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. આ બનાવમાં પોલીસએ પાંડેસરા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુનો કલમ ૮(સી), ૨૦(બી)(બી), ૨૯ અંતર્ગત નોંધાયો છે અને કાર્યવાહી શરૂ છે. આરોપીઓની પુછપરછમાં કઈ નવા નશામાફિયાની ઘૂસણખોરી બહાર આવે છે તે જોવાનું રહ્યું.