મનને સ્થિર કરવા સુમિરણની આવશ્યકતા છે.સુમિરણથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે માટે કોઈપણ મંત્રનું સુમિરણ કરો.પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ-એવું તેજોમય છે કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે કે જે હાથમાં આવતું નથી,આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે.ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે પણ નામને છુપાવી શકતા નથી,નામસ્વરૂપ પ્રગટ છે.પરમાત્માના કોઈપણ નામનો દ્રઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી,ધ્યાન સાથે જપ કરો.
લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે છે,અલૌકિક વાસનામાં મન ફસાય તો મન સુધરે છે.કોઈ વ્યક્તિને મળવાની વાસના એ મનને બગાડે છે.પરમાત્માને મળવાની વાસના મનને સુધારે છે.વાસનાનો નાશ વાસનાથી જ થાય છે.જે શસ્ત્રથી હિંસા થાય છે તે જ શસ્ત્રથી જીવન મળે છે.ડોક્ટરો વાઢ-કાપના શસ્ત્રોથી જીવન આપે છે.કાંટાથી જે રીતે કાંટો કઢાય છે તેવી જ રીતે અસદ-વાસનાનો વિનાશ સદ-વાસનાથી થાય છે.લૌકિક વાસના(જગતની વાસના)માં ફસાયેલું મન અલૌકિક વાસના(પ્રભુની વાસના)માં ફસાય તેને જ ભક્તિ કહે છે.
સંતો સમજાવે છે કે તમે તમારા મનને સાચવજો,તમારા મનને કોઈ મંત્રમાં રાખજો,મન કોઈ પાપ કરે તો તેને સજા કરજો.મનથી પાપ થાય તો તે મન પ્રભુમાં સ્થિર રહેતું નથી.આ વાત આપણે એક બોધકથાથી સમજવાનો પ્રયત્ન કરીએ.
એક રાજાને ત્યાં એક બકરો હતો.રાજાએ એક વખત જાહેર કર્યું કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી ચરાવી લાવી તૃપ્ત કરશે તેને પેટ ભરીને ખવડાવશે તેને હું મારૂં અડધું રાજ્ય આપીશ.બકરાનું પણ પેટ ભરાયું છે કે નહિ તેની પરીક્ષા હું જાતે કરીશ.જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો.બકરાને પેટ ભરીને ખવડાવવું એમાં શી મોટી વાત છે? એમ કહી રાજા પાસેથી બકરો લઇ ગયો,આખો દિવસ બકરાને ખુબ ખવડાવ્યું.સાંજ પડી એટલે તે માણસને લાગ્યું કે આજે તો બહુ ચરાવ્યો છે એટલે બકરાને લઇ રાજા પાસે આવ્યો.રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મુક્યું કે બકરો ઘાસ ખાવા માંડ્યો.રાજા કહે છે કે તેં ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો બકરો ઘાસ ખાય જ નહિ !
આવી જ ઘણા માણસોએ પ્રયત્ન કરી જોયા.બકરાને ખુબ ખવડાવે પણ જ્યાં દરબારમાં લાવે અને રાજા બકરાને ઘાસ નાખે એટલે બકરો ઘાસ ખાવા માંડે,તેના પેટમાં અજીરણ થયું હોય તો પણ ઘાસમાં મોઢું નાખે છે.બકરાને એવી આદત હતી,ટેવ હતી કે ઘાસ દેખાય એટલે મોઢું નાખવું.
એક બુદ્ધિશાળી માણસને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે,તત્વ છે.હું યુક્તિથી કામ લઈશ.તે બકરાને ચરાવવા લઇ ગયો.બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે તરત તેના મોઢા પર લાકડીનો ફટકો મારે છે.બકરાએ જેટલી વાર ઘાસ ખાવા પ્રયત્ન કર્યો તેટલી વાર લાકડીના ફટકા મોઢા પર પડ્યા.અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોઢું નાખીશ તો માર પડશે.આખો દિવસ બકરાને જે માર પડ્યો,તે ઘાસમાં મોઢું નાખવાનું ભૂલી ગયો.સાંજના બકરાને લઇ તે માણસ રાજા પાસે આવ્યો.બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું છતાં રાજાને કહે છે કે મેં આજે બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું પણ બકરાએ મોં ફેરવી લીધું,ઘાસ તરફ જોતો પણ નથી.બકરાના મનમાં ઠસી ગયું હતું કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે તેથી બકરો ઘાસ ખાતો નથી.
અહીં બકરો એ બીજું કોઈ નહિ પણ મન એ જ બકરો છે.આ મન બકરા જેવું છે.બકરાને ચરાવવા લઇ જનારો એ જીવાત્મા છે,રાજા એ પરમાત્મા છે.બકરો મેં મેં કરે છે તેવી જ રીતે મનુષ્યનું મન પણ મેં મેં કરે છે.આ મારૂં-આ હું-આ તારૂં.આ મનરૂપી બકરાને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહિ,આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો પણ તે કોઈ દિવસ ધરાશે નહિ,તેને માર પડશે તો જ તે માનશે.
મનને મારો,તેના પર અંકુશ રાખો.મન સુધરે તો જીવન સુધરે છે.મનને વિવેકરૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગમાં નથી,તૃપ્તિ ત્યાગમાં છે.ગીતામાં લખ્યું છે કે આ ચંચળ મનને અભ્યાસ અને વૈરાગ્ય થી વશ કરી શકાય છે.અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે,કુસંગથી મન બગડે છે,સત્સંગથી મન સુધરે છે. પ્રભુ પ્રેમમાં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે.
સંતો આપણને સત્સંગ કરવાની આજ્ઞા આપે છે પણ આપણને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.સંત ના દેખાય તો સમજવું કે હજુ આપણામાં પાપ વધારે છે.પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે,એમના આધારે તો ધરતી ટકે છે.નકલી માલ વધ્યો છે તે વાત સાચી પણ તેનો અર્થ એ નથી કે સાચું સોનું ક્યાંય મળતું નથી.જગતમાં સંત નથી તે વાત ખોટી છે.હા,સંત મળવા દુર્લભ છે એ વાત સાચી છે.જે સંત થાય છે તેને સંત મળે છે.સંતના ઘેર સંત જાય છે.વ્યવહારનો કાયદો છે,શ્રીમાનને ત્યાં શ્રીમાન જાય છે.ગરીબના ઘેર શ્રીમાન જતા નથી.સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી,સ્વભાવને સુધારે તે સંત બને છે.
સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે.સંત પોતાની આંખને ઇષ્ટદેવમાં રાખે છે.સંતો મનને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં,ધામમાં રાખે છે.સુખ-દુઃખમાં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે તે સંત છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે તે સંત છે.સંત શોધવા તમે ક્યાં જશો? તમે સંત થશો એટલે સંત મળશે.સંતને જોવાની દ્રષ્ટિ જોઈએ,દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.સંતના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો તમારી અંદર નજર કરજો.તમારાં પોતાના દોષને જોજો,બીજાના તો ગુણ જ જોજો.બીજાના ગુણ જોવાની આદત રાખશો તો તમારી દ્રષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.સંતોના લક્ષણોમાં તિતિક્ષા(સહનશીલતા)ને પ્રાધાન્ય આપવામાં આવેલું છે.સંતોના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે સંતોને કેટલાં દુઃખ પડેલાં છે પણ દુઃખોની અસર સંતોના મન પર થતી નથી.
સાધારણ મનુષ્યનું મન ક્ષણે ક્ષણે બદલાય છે,સંતનું મન એકસરખું શાંત રહે છે.બધી અનુકુળતા હોય અને જે શાંત રહે તે શાંતિ સાચી શાંતિ નથી,બધી પ્રતિકુળતામાં જે શાંતિ રાખે તે સાચી શાંતિ છે.જેનો બ્રહ્મ સંબંધ થયો હોય તેની શાંતિ કાયમ રહે છે.સંતની પરીક્ષા વ્યાખ્યાન કુશળતાથી થતી નથી,મહારાજને ગાદી-તકિયે બેસાડો,હાર પહેરાવો પછી બ્રહ્મની વાતો કરે તેમાં શું આશ્ચર્ય? શાંતિ તેની કાયમ રહે છે કે જેનું મન પ્રભુનાં ચરણોમાં રહે છે.જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે.સંતોના ચરિત્રો વાંચવાથી લાભ થાય છે.મન અશાંત થાય તો ભક્તિનો નાશ થાય છે.જગતમાં અંધારૂં છે એટલે પ્રકાશની કિંમત છે.સુખી થવું હોય તો ખુબ સહન કરજો.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

