New Delhi,, તા.11
ખાદ્યચીજોમાં ભેળસેળ-નબળી ગુણવતા સાથે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા મામલે ગુજરાત-રાજસ્થાન સહિતના કેટલાંક રાજયોમાં જોરદાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે દેશમાં વેચાતી દર પાંચમી ખાદ્યચીજ હલ્કી ગુણવતાની કે ગુણવતા નિયમ મુજબની નહીં હોવાનો ચોંકાવનારો રિપોર્ટ જારી થયો છે.
દેશભરમાં ખાદ્યચીજોમાં મિલાવટ કે હલ્કી ગુણવતા માટે વેપારી-કંપનીઓની નફાખોરી કે બેદરકારીને જવાબદાર ગણવામાં આવતી હોય છે. સમગ્ર દેશમાં હલ્કી ગુણવતાની ખાદ્યચીજોના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.ખાદ્ય નિયામક એફએસએસએઆઈના સંસ્થાકીય રિપોર્ટ પ્રમાણે ખાદ્ય સુરક્ષાના નિયમો-માપદંડનુ પાલન થતુ ન હોય તેવી સબ સ્ટાંડર્ડ ચીજોની સંખ્યા સૌથી વધુ છે. તપાસ-લેબ ચકાસણી હેઠળના દર પાંચમાંથી એક નમુનો સબ સ્ટાંડર્ડ રહ્યો છે.
રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે મિલાવટ તથા હલ્કી ગુણવતા ધરાવતી ખાદ્યચીજોનુ પ્રમાણ વર્ષોવર્ષ વધી જ રહ્યું છે. 2020માં હળવી ચીજોની માત્રા 53.7 ટકા હતી તે 2025માં 65.5 ટકાએ પહોંચી હતી.જો કે, તંત્રની અસરકારક કામગીરીથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 2020-21માં 28347 ખરાબ નમુનામાંથી હલ્કી ગુણવતાના 26.1 ટકા હતી. 2024-25માં 34388 નમુનામાંથી 20.2 ટકા સબસ્ટાંડર્ડ હતા.
બીજી તરફ આરોગ્ય માટે હાનિકારક ખાદ્યચીજોની માત્રા સતત વધી રહી છે. 2019-20માં નિષ્ફળ ગયેલા 15.5 ટકા નમુના લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. 2020-21માં આ પ્રમાણ 18.4 ટકા, 2021-22માં 14.8 ટકા, 2022-23માં 20.21 ટકા તથા 2024-25માં 23.1 ટકા નમુના આરોગ્ય માટે હાનિકારક હતા.
ક્રુડ વિભાગ મિલાવટ-હલ્કી ગુણવતા મામલે દંડ તથા ફોજદારી કાર્યવાહી પણ કરી જ રહ્યું છે અને તેમાં પણ સતત વધારો થયો છે. 2019-20માં 32093 કંપનીઓ-તૈયારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા જયારે 2024-25માં 38834 કંપનીઓ પર ગુના નોંધવામાં આવ્યા હતા અને તેમાંથી 80.9 ટકાને સજા થઈ હતી.

