Patna, તા.૧૪
મંગળવારે મોડી સાંજે બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં એક બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં ૨૦થી વધુ લોકો સવાર હતા. આ ઘટના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર શ્યામચંદ ગામ નજીક બની હતી. વૈશાલીના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અકસ્માતમાં ૧૪ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે મૃતકોમાં મોટાભાગનાં બાળકો છે, જેઓ હોડીમાં બેસીને જમણવારમાં જઈ રહ્યાં હતાં.
આ ઘટના રાઘોપુરના રામપુર શ્યામચંદ ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગામના લગભગ ૨૦થી ૩૦ લોકો હોડીમાં બેસીને નજીકના ગામમાં ભોજન સમારંભમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન હોડી નદીમાં પલટી ગઈ અને મોટો અકસ્માત સર્જાયો હતો.
અહેવાલો અનુસાર, બોટમાં સવાર લોકો એક ભોજન સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં બોટ ગંગા નદીમાં પલટી ગઈ, જેના કારણે મુસાફરો નદીમાં પડી ગયા. અકસ્માત એટલી ઝડપથી થયો કે મુસાફરો કંઈ સમજે તે પહેલા જ બોટ પલટી ગઈ. આ ઘટનાના સમાચારથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પીડિતોના પરિવારો ભારે આઘાતમાં છે. દરમિયાન, પોલીસ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરી રહી છે અને પીડિતોની ઓળખ કરી તેમના પરિવારોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાઘોપુર દિયારા વિસ્તારમાં બોટ પલટી જવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ’ઠ’ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે અને જણાવ્યું હતું કે ડૂબી જનારાઓમાં મોટાભાગના બાળકો હતા. તેજસ્વી યાદવે સૌની સુરક્ષા માટે આશા વ્યક્ત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમણે સ્થાનિક લોકો, વહીવટીતંત્ર અને અધિકારીઓ સાથે વાતચીત કરી છે તથા રાહત, બચાવ અને તબીબી સારવારની કામગીરી ઝડપી બનાવવા માટે સૂચનાઓ આપી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુના સમાચારને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવ્યા હતા. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે દિવંગત આત્માઓની શાંતિ માટે અને પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારોને પ્રત્યેકને ૪ લાખની સહાય આપવામાં આવશે. વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઘાયલોને યોગ્ય તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
બિહાર કોંગ્રેસે લખ્યું કે વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં હોડી પલટી જવાની હૃદયદ્રાવક ઘટનામાં બાળકોનાં મોતના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે. ઈશ્વર દિવંગત બાળકોના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.

