Ambaji,તા.૧૯
યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગબ્બર પંથકમાં એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો છે. ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધસી પડતાં નજીકમાં જ ઊભેલો એક કિશોર તેની ચપેટમાં આવી ગયો હતો. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર સહિત મૃતકના પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક માહિતી અનુસાર, અંબાજીના ગબ્બર વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય કિશોર વિશાલ શંકરભાઈ ભરથરી નજીકની એક લારી પાસે ઊભો હતો. તે સમયે જ સતત વરસાદના કારણે નબળી પડી ગયેલી પ્રોટેક્શન દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. દીવાલનો ભારે મલબો લારી પર પડતાં લારી દબાઈ ગઈ હતી અને ત્યાં ઊભેલો વિશાલ પણ કાટમાળ નીચે ગંભીર રીતે કચડાયો હતો. અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી વિશાલને બહાર કાઢ્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક કિશોર ગબ્બર વિસ્તારનો જ વતની અને ભરથરી સમાજનો હોવાનું સામે આવ્યું છે. ૧૫ વર્ષના માસૂમ બાળકના આકસ્મિક અવસાનથી ભરથરી સમાજ અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિક તંત્રે વરસાદી માહોલમાં નબળા બાંધકામો અને ભયજનક દીવાલો પ્રત્યે સતર્કતા દાખવવાની જરૂરિયાત પર આ ઘટના બાદ ભાર મૂક્યો છે.

