New Delhi,તા.21
ભારતના અનેક રાજયોમાં આકરી ગરમીએ પરચો બતાવવાનું શરૂ કરી દીધુ છે અને આવતા દિવસોમાં તાપમાન હજુ વધવા સાથે ગરમી કાળઝાળ બનવાની ચેતવણી આપવામાં આવી છે ત્યારે એવો ચોંકાવનારો રીપોર્ટ જારી થયો છે કે વિશ્વના ટોપ-20 સૌથી ગરમ શહેરોમાં 19 તો માત્ર ભારતના છે.
આબોહવા પરિવર્તન (કલાયમેટ ચેન્જ)નો પડકાર આખી દુનિયાનાં દેશો અનુભવી રહ્યા છે અને તેમાં ભારતને સૌથી મોટો માર પડી રહ્યો છે. એકયુઆઈ દ્વારા નકકી કરવામાં આવેલા રીપોર્ટ મુજબ દુનિયાના સૌથી ગરમ 27 શહેરોમાં 19 ભારતના હતા. હવામાન વિભાગે 24 એપ્રિલ સુધી તાપમાન વધતુ રહેવાથી અને 43 ડીગ્રીએ પહોંચવાની આગાહી કરી છે અને રેટ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
દરમ્યાન ઉતર ભારત સહીત દેશનાં અનેક રાજયો ભીષણ ગરમીની ઝપટમાં આવ્યા હોય તેમ તાપમાનનો પારો 40 ડીગ્રીને વટાવી ગયો હતો પાટનગર, દિલ્હી, ઉતર પ્રદેશ, હરીયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહીતનાં રાજયમાં પારો 40 ડીગ્રીથી વધુ હતો.
દિલ્હીમાં તાપમાન 42 થી 44 ડીગ્રીની રેન્જમાં લુ એલર્ટ જારી થવા સાથે રાત્રે પણ ગરમી પડવાની તથા તાપમાન નોર્મલ કરતા ઘણુ અધિક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.ઉતર પ્રદેશમાં પુર્વીય અને પશ્ચિમી એમ બન્ને ભાગોમાં આવતા 4-5 દિવસ ભીષણ ગરમીની ચેતવણી છે. પંજાબમાં પણ લુ ફુંકાવાની શકયતા છે. આ સિવાય મધ્યપ્રદેશ, છતીસગઢ, ચંદીગઢમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શકયતા દર્શાવવામાં આવી છે.
ઓડીશા બિહાર તથા મધ્યપ્રદેશમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે. દુનિયાનાં સૌથી ગરમ શહેરોમાં ગુજરાત, ઉતરપ્રદેશ, ઓડીશા, પશ્ચિમ બંગાળના શહેરો છે.એકપણ વિદેશી શહેર નેપાળનું લુંબીની સામેલ છે. બાકીના 19 શહેરો ભારતના છે. તેના પરથી પુરાવો મળે છે કે ભીષણ ગરમીના કેન્દ્રમાં સમગ્ર વિશ્વમાં ભારત જ મોખરે છે.
અસામાન્ય ગરમી પાછળ અનેક કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. હાલ એપ્રિલનો આકરો તાપ વરસી રહ્યો છે. આકાશી અગનવર્ષા સીધી જમીન પર થતી હોવાથી ધરતી ધણધણી રહી છે. સામાન્ય રીતે એપ્રિલમાં પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે સુર્યકિરણો હજુ સુધી સીધા જમીન પર જ પડી રહ્યા છે.
યુપીમાં સ્કુલના સમય બદલાયા
ઉતરપ્રદેશમાં ભીષણ ગરમીને પગલે આવતા દિવસોમાં પણ હીટવેવ-લુનુ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા સરકારી-ખાનગી સહિત તમામ સ્કુલોના સમયમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે. રાજયના 32 જીલ્લામાં હીટવેવ-લુનુ એલર્ટ અપાયુ છે. જેના પગલે સ્કુલો સવારની પાળીમાં જ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગરમીને પગલે જનજીવન પણ પ્રભાવિત છે.
કાલથી નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સઃ હિમાચલ-કાશ્મીરમાં વરસાદ થશે
ભારતના ડઝનથી વધુ રાજયો ભીષણ ગરમીની લપેટમાં આવ્યા છે અને હજુ હીટવેવ-લુનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે ત્યારે આવતીકાલથી નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાનુ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. તેની અસર હેઠળ હિમાચલ તથા કાશ્મીરમાં વરસાદ તથા હળવી હિમવર્ષા થવાની શકયતા છે. તાપમાનમાં પણ આંશિક ઘટાડો થશે. સ્થાનિક લોકો તથા પ્રવાસીઓને ગરમીમાં રાહત થશે.

