Ahmedabad,તા.14
વડોદરા શહેરમાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાના આરોપમાં પકડાયેલા પાંચ આરોપીઓને જાહેરમાં ફેરવી તેમનું સરઘસ કાઢવાના મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
આ ઘટનામાં પોલીસ અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હોવાની રજૂઆત સાથે ક્નટેમ્પટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
જસ્ટિસ બી.ડી. કારિયા અને જસ્ટિસ એલ.કે. પીરઝાદાની ખંડપીઠે આ મામલે ગંભીર નોંધ લેતા જવાબદાર પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે અને આગામી સુનાવણી 18 જૂન પર મુલતવી રાખી છે.
એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે દાખલ કરવામાં આવેલી આ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ કસ્ટડીમાં અરજદારો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના હાથ બાંધીને જાહેરમાં ફેરવી લોકો સમક્ષ માફી મંગાવવામાં આવી હતી.
આટલું જ નહીં, આ ઘટનાના વીડિયો પણ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, અખબારોમાં વારંવાર આવા જાહેર પરેડના કિસ્સાઓ જોવા મળે છે.
કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આવું કરવા પાછળનો આધાર શું છે અને સુપ્રીમ કોર્ટના કાયદાનું આટલું સરેઆમ ઉલ્લંઘન કેમ કરવામાં આવી રહ્યું છે? બેન્ચે વધુમાં ઉમેર્યું હતું કે આ એક અત્યંત ગંભીર મુદ્દો છે જે અટકવો જોઈએ, કારણ કે આજે આ લોકો સાથે થયું છે, આવતીકાલે કોઈ પણ સાથે થઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટમાં જાહેર પરેડ અને માનવાધિકાર ભંગની વધતી જતી અરજીઓને ધ્યાને રાખીને કોર્ટે આવા તમામ કેસોને એકસાથે જોડીને જૂન મહિનામાં સાંભળવાનો નિર્ણય લીધો છે. કોર્ટના આ આકરા વલણ બાદ રાજ્યના પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે.
હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવે તાત્કાલિક અસરથી એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં તમામ પોલીસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આરોપીઓને જાહેરમાં ફેરવવા કે તેમનું સરઘસ કાઢવા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
પોલીસ વડાએ તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, આરોપીઓના પણ ચોક્કસ માનવાધિકાર હોય છે અને તપાસના નામે કાયદાનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ અધિકારીઓને ડી.કે. બાસુ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા અને આરોપીઓની ગરિમા જાળવવા સૂચના આપવામાં આવી છે. આ કેસ હવે ગુજરાતમાં પોલીસની કાર્યશૈલી અને નાગરિક અધિકારો વચ્ચેના સંતુલન માટે એક સીમાચિહ્નરૂપ બની રહેશે તેવી શક્યતા છે.

