Morbi, તા.15
મોરબીના અમરનગર ગામે વરંડામાં આવેલ ઓરડીમાંથી 72 બોટલ દારૂ સાથે એક આરોપી મળી આવ્યો હતો જયારે માળીયાના નવાગામ પાસે જુદીજુદી બે જગ્યાએ દારૂની બે રેડ કરી હતી જેમાં કુલ મળીને 1200 લિટર આથો મળી આવ્યો હતો.
અમરનગર ગામે ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વરંડામાં આવેલ ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,192 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (26) રહે. અમરનગર મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે માળીયાના નવાગામ તરી વિસ્તારમાં નદીના કાંઠેથી 800 લીટર આથો મળી આવ્યો હતો.
જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા (26) રહે. વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઈસ્માઈલભાઈ રહીમભાઈ મોવર રહે. વીસીપરા રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે .
આવી જ રીતે તે વિસ્તારમાં દારૂની બીજી રેડ કરી હતી ત્યારે 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં પણ અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા (26) રહે. વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અવેસ સુભાનભાઈ કટિયા રહે. રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને આ ગુનામાં પણ બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

