New Delhi, તા.17
કેન્દ્ર સરકારના સામાન્ય બજેટને આડે હવે પખવાડીયુ પણ બાકી રહ્યુ નથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વેપાર-ઉદ્યોગકારો-બેંકરો સહિત સંબંધીત પક્ષકારો સાથે બેઠક કરીને સૂચનો મેળવ્યા છે. સાથોસાથ જુદા-જુદા મંત્રાલયોના પણ મંતવ્યો લીધા છે ત્યારે સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે જ ટેકસ ઘટાડીને મહત્વપૂર્ણ સૂચન કર્યુ હોવાથી બજેટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થવા લાગી છે.
કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે સરકાર સમક્ષ એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં તેલ અને ગેસના સ્થાનિક ઉત્પાદન લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે.મંત્રાલયે ભલામણ કરી છે કે તેલ-ગેસ ક્ષેત્રના ટેક્સ માળખાને વૈશ્વિક ધોરણો મુજબ સુધારવામાં આવે અને અસરકારક ટેક્સ રેટ ઘટાડીને 35%થી 40%ની મર્યાદામાં લાવવામાં આવે.
મંત્રાલયનું માનવું છે કે, ઊંચા ટેક્સ અને અસ્થિર નીતિઓને કારણે રોકાણકારોનો ઉત્સાહ ઓછો થાય છે, તેથી આગામી બજેટમાં ટેક્સ રેટ અને રોયલ્ટી અંગે મોટા નિર્ણયો લેવા જરૂરી છે.
આ પ્રસ્તાવમાં ખાસ કરીને જૂના બ્લોક્સ પરના ટેક્સના બોજને ઘટાડવાની માંગ કરવામાં આવી છે, કારણ કે દેશના કુલ ઉત્પાદનનો લગભગ 90% હિસ્સો આ બ્લોક્સમાંથી આવે છે. તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની જૂની માંગને પણ ફરીથી દોહરાવવામાં આવી છે.
જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે, તો ઉદ્યોગોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય કાઉન્સિલ લેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નરમ હોવાથી સામાન્ય જનતા પણ બજેટમાં રાહતની આશા રાખી રહી છે.
પેટ્રોલીયમ મંત્રાલયની મુખ્ય દરખાસ્ત
► ટેક્સમાં ઘટાડોઃ અસરકારક ટેક્સ રેટ 35%થી 40% કરવાની ભલામણ.
► સમાન ટેક્સ નીતિઃ જૂના તેલ બ્લોક્સપર ટેક્સ નિયમો હળવા કરવા.
► GSTની માંગઃ પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ.
► સ્થિરતાઃ લાંબા ગાળાના રોકાણ માટે સ્થિર ટેક્સ નીતિની જરૂરિયાત પર ભાર.

