Surendaranagar , તા.31
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરો એકત્ર કરવા માટે ફાળવવામાં આવેલી ઇ-રિક્ષા એક વર્ષથી વધુ સમયથી ભંગાર હાલતમાં પડી છે. આ રિક્ષા બંધ હોવાથી ગામમાં કચરો એકત્ર કરવાની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાખો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલી આ ઇ-રિક્ષા હાલ ખાનગી માલિકીની જગ્યામાં મૂકી દેવામાં આવી છે અને તે ઉપયોગમાં નથી. પરિણામે, ગામની મહિલાઓને પોતાનો કચરો એકત્ર કરીને ગામથી દૂરના વિસ્તારોમાં નાખવા જવું પડે છે. સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેથી કચરો એકત્ર કરીને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો છે, પરંતુ ધ્રુમઠ ગામમાં આ યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે.
ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયત કચરાના નિકાલ માટે વેરા વસૂલે છે, પરંતુ તેની સામે કચરો એકત્ર કરવાની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. આ સ્થિતિ સ્વચ્છ ભારત મિશનના મૂળભૂત હેતુ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
આ મામલે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને ઇ-રિક્ષાને ફરીથી કાર્યરત કરવા અને ગામમાં કચરો એકત્ર કરવાની નિયમિત વ્યવસ્થા શરૂ કરવાની માંગ ઉઠી છે.
આ અંગે તાલુકા પંચાયતના ટીડીઓ અનિધ્ધસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ધ્રુમઠ ગ્રામ પંચાયત દ્વારા રિક્ષા બંધ થવા અંગે હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી. તેમ છતાં, આ મામલે ગ્રામ પંચાયતને તાત્કાલિક ઇ-રિક્ષામાં રહેલી ખામી દૂર કરાવી તેને ફરીથી શરૂ કરવાના આદેશ આપવામાં આવશે.

