New Delhi, તા.13
ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા દિલ્હીમાં નામિબિયા સામેની T20 વર્લ્ડ કપ મેચમાં રમ્યો ન હતો. અભિષેક છેલ્લા કેટલાક દિવસોથી પેટની તકલીફથી પીડાઈ રહ્યો છે અને તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અભિષેકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે અણ જેટલી સ્ટેડિયમમાં ટીમ સાથે હાજર રહ્યો હતો, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
નામિબિયા સામેની મેચ માટે ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા. ઓપનર અભિષેક શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવ્યા, જ્યારે જસપ્રીત બુમરાહ અને સંજુ સેમસન ઇલેવનમાં પાછા ફર્યા.
ટોસ દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે અભિષેક હજુ પણ બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેનો અર્થ એ થઈ શકે છે કે તે એક કે બે મેચ ગુમાવશે. સૂર્યકુમાર યાદવે સંકેત આપ્યો છે કે પાકિસ્તાન સામેની મેચમાં અભિષેકની ભાગીદારી અનિશ્ચિત છે.
રવિવારે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાશે. અભિષેક ભારતીય ટીમનો મુખ્ય સભ્ય છે. અભિષેકે ગુરુવારે પ્રેકિ્ટસ કરી ન હતી. આનું કારણ એ છે કે તે હજુ પણ નબળાઈ અનુભવી રહ્યો છે. તેનું વજન પણ ઓછું થયું છે અને પેટના ગંભીર ચેપ પછી, તેને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં અને ઉચ્ચ સ્તરની ક્રિકેટ રમવા માટે શક્તિ અને સહનશક્તિ પાછી મેળવવામાં સમય લાગે છે.

