Jetpur. તા.6
જેતપુરના રબારીકા પાસે ભેંસ સાથે બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે સાત શખ્સોએ ટોળકી રચી લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર યુવાનને ઇજા પહોંચી હતી અને એકનો હાથ ભાંગી ગયો હતો. આરોપીઓએ ત્રણ બાઇકમાં પણ તોડફોડ કરી હતી. જે અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રાયોટ,તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના હોસંગાબાદ જિલ્લાના વતની અને હાલ જેતપુરના રબારીકા ગામની સીમમાં ધીરજભાઈ સોયાની વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર દિનેશ બધ્દુભાઈ ચૌધરી (ઉ.વ. 38) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના જીજા વાંક સહિત અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, ધુળેટીના દિવસે તેની વાડીએ સાંજના પાંચેક વાગ્યે તેનો સાળો સુરેશ બારેલા અને તેમનો પરીવાર બધા અહીં રબારીકા ગામની સીમમાં મુકેશભાઈ લાલુની વાડીએ રહેતા હોય તેઓ બે બાઈક લઇ વાડીએ હોળીનો તહેવાર કરવા માટે આવ્યા હતા અને બધા સાથે જમ્યા હતા.
ત્યારબાદ તેઓ વાડીએ જવા નીકળ્યા ત્યારે યુવાન પણ તેને મુકવા માટે સાથે ગયો હતો. દરમિયાન રાત્રિના પોણા આઠેક વાગ્યે આસપાસ રબારીકા ગામના જીજા વાંકના ભેસના તબેલા પાસે પહોંચતા સુરેશનુ બાઈક ભેંસ સાથે જરા અડી જતા આ જીજા વાંકે કહ્યું હતું કે, બાઈક ધીમુ ચલાવ તને મારી ભેંસ દેખાતી નથી તેમ કહી પોતાના હાથમાં રહેલ લાકડીનો એક ઘા સુરેશના વાહન પર તથા બીજો ઘા સુરેશના હાથ ઉપર અને ત્રીજો ઘા પગમાં મારી દેતા તે નીચે જમીન પર પડી ગયો હતો. જેથી ફરિયાદી તથા તેના અન્ય સંબંધી અહીં ઊભા રહી ગયા હતા અને પૂછવા લાગ્યા હતા કે શું કરવા મારો છો?
આ સાંભળી જીજાભાઈએ જોર જોરથી ગાળો બોલી કોઈ સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, તમે અહીં આવો મારી સાથે આ લોકો ઝઘડો કરે છે. તેવું કહેતા થોડીવારમાં ત્યાં રબારીકા ગામ તરફથી ત્રણ બાઈકમાં 6 અજાણ્યા શખ્સો હાથમાં લાકડી અને પાઇપ લઈને આવ્યા હતા અને આ શખસો તથા જીજા વાંકે મળી યુવાન તથા તેના સંબંધી સહિતના બધા પર લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરી દઈ માર મારવા લાગ્યા હતા.
દરમિયાન કરણ, રાજુ તુકેસ અને વિનોદ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં આ શખસોએ ત્રણે વાહનમાં પાઇપના ઘા ફટકારી અંદાજિત રૂપિયા 20,000 ની નુકસાની કરી હતી અને જતા જતા કહેતા ગયા હતા કે, અમે કાઠી દરબાર છીએ તમે અમને ઓળખતા નથી હવે પછી અમારી સામે થયા તો જીવતા નહીં રહેવા દઈએ. બાદમાં આ હુમલામાં ફરિયાદી દિનેશ તથા રાકેશ, સુરેશ અને તુકેસને ઇજા પહોંચી હોય તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

