Rajkot તા.24
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નું મતદાન આગામી તા.26/04ના રોજ યોજાનાર છે, રાજકોટ શહેરમાં રહેતા અને 18 વર્ષ થી વધુ વય ધરાવતાં લોકો પોતાનું નામ મતદાર યાદીમાં જોઈ શકે તે માટે રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગર દ્વારા પોતાની વેબસાઈટ sec.gujarat.gov.in પર Search Your Name સિલેક્ટ કરી પોતાના નામની વિગતો અથવા EPIC ચૂંટણી કાર્ડના નંબરની વિગતો દાખલ કરી તેની વિગતો જાણી શકશે તેમજ આ માટેની લિંક મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પણ મુકવામાં આવેલ છે. આ સુવિધાનો લાભ રાજકોટના મતદારોને લેવા તેમજ બહોળા પ્રમાણમાં મતદાન કરવા આથી અનુરોધ કરવામાં આવેલ છે.
મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચુંટણીનાં દિવસ તા.26/04નાં રવિવારનાં રોજ ન આવતી તેવા કર્મચારી/કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારો ને મતદાન માટે વારાફરતી ત્રણ કલાક ની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખી ને અવેજીમાં/બદલીમાં મતદાન નાં દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં તા.26/04 રોજ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓનાં કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છુટક તથા પરચુરણ કામ કરતા તમામ, ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 ની કલમ 18 હેઠળ મતદાનનાં દિવસે રજા અને વેતન માટે હક્કદાર રહેશે.

