Rajkot. તા.09
વડાળી ગામ પાસે ચાલી રહેલ પુલના કન્સ્ટ્રક્શન સાઈટ પરથી 250 કિલો ખિલાસળીની ચોરીનો બનાવ સામે આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં તસ્કરને ગેંગના બે શખ્સોને પકડી મુદામાલ રિકવર કર્યો હતો. જો કે, ફરાર રહેલ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે ગોંડલ આઈટીઆઈ સામે રહેતાં અમીતસિંહ વિજયસિંહ મકવાણા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કન્સ્ટ્રક્શનનુ કામ કરે છે, છેલ્લા બે મહિનાથી વડાળી ગામ પાસે ત્રંબાથી વડાળી ગામ જતા રોડ પર પુલનુ કન્સ્ટ્રક્શનનુ કામ ચાલુ છે. તેઓ પુલનુ કન્સ્ટ્રક્શનનુ કામ ચાલુ હતુ ત્યાં ગયેલ ત્યારે ગઈ તા.02 ના સાંજના છએક વાગ્યાથી હોળી-ધુળેટીના તહેવાર હોવાથી કામ બંધ રાખેલ હતુ. ત્યાં લોખંડનું ખીલા-સળીનુ મટીરીયલ્સ આશરે 250 કિલોગ્રામ જેટલુ પડેલ હતુ.
ગઈ તા.07 ના ત્યાં જઈ જોતા આ લોખંડનુ મટીરીયલ્સ જોવામાં આવેલ નહીં જેથી ભાગીદાર ક્રિપાલસિંહ ઝાલાને જાણ કરતા તેઓ પણ તાત્કાલીક ત્યાં આવી ગયેલ અને આજુ-બાજુ તપાસ કરતા આ લોખંડનુ મટીરીયલ્સ ક્યાંય મળેલ નહીં. જેથી આ વડાળી ગામ પાસે ચાલતા પુલના ક્ધટ્રક્શનના કામના સ્થળેથી પડેલ લોખંડનુ ખીલા-સળી મટીરીયલ્સ આશરે 250 કિલોગ્રામ રૂ.15 હજારનો મુદામાલ અજાણ્યા શખ્સો ચોરી જતાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
જે બનાવની ગંભીરતા જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુનો ડિટેકટ કરવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, ધારાભાઈ વાનરીયા અને રાજેશભાઈ જળુને મળેલ ચોક્કસ બાતમીના આધારે વડાળીથી ત્રંબા તરફ જતા રોડ ઉપર બ્રીજ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપરથી લોખંડની ખીલાસરી ચોરી કરનાર અજય મનોજ વાળા (ઉ.વ.25 રહે. સરપદડ,પડધરી) અને વિનોદ સંજય મકવાણા (ઉ.વ.21, રહે. શિતળાધાર, સરદાર ગૌશાળા પાસે) ને ચોરીમાં ગયેલ લોખંડની ખીલાસરી તથા ચોરીમાં ઉપયોગ કરેલ રીક્ષા સાથે જામનગર રોડ, પથીકા શ્રમ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જ્યારે પકડાયેલ શખ્સોની પૂછતાછમાં રોહીત જસમત દેવીપુજક, રાહુલ જસમત દેવીપુજક અને અશોક ધીરૂ દેવીપુજક (રહે. ત્રણેય કોઠારીયા સોલવંટ, શિતળાધાર) નામના શખ્સો પણ સાથે હોવાની કબૂલાત આપતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

