Rajkot,તા.05
રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે શીકલીગર બેલડીને ઝડપી ગોંડલમાં મકામાંથી થયેલી રૂ.૭ લાખની મત્તાની ચોરી તથા બે બાઇક ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ તાકીદે ઉકેલવા માટે અપાયેલી સૂચનાના પગલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 27/4/ 2026 ના નોંધાયેલ ગુનો જેમાં ગોંડલથી ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્કૂલવાળી શેરી વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં ફરિયાદી રાજદીપભાઈ ઉજીયાના મકાનમાંથી કોઈ શખસો તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂપિયા એક લાખ મળી સાત લાખની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય બે ગુનાઓ દાખલ થયા હોય જેમાં ફરિયાદી ધરમભાઈ રાઠોડ (રહે. ગોંડલ આશાપુરા ચોકડી અંડર બ્રિજ પાસે) નું કાળા કલરનું બાઈક ઘર પાસેથી ચોરી થયું હતું તેમજ તારીખ 1/5 ના વિજયભાઈ પરમાર (રહે ગોંડલ રામ હોસ્પિટલ પાછળ)નું બાઈક રાત્રીના ઘર પાસેથી ચોરી થયું હતું. ચોરીઓના આ બનાવને લઈ રાજકોટ ગ્રામ્ય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ.ચાવડા તથા પીએસઆઇ એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી બનાવસ્થળ નજીકથી જ શંકાસ્પદ જાયલો નંબર જીજે 2 એપી 0142 ની અવરજવર જોવા મળી હતી. જેના આધારે ચોરીના આ ગુનાઓમાં બે શખસોને ઝડપી લીધા હતા. જેના નામ નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ બલ્લેસિંગ જોગીરદનશીંગ (ઉ.વ. 45 રહે. સુરત) અને જશવીરસિંગ ઉર્ફે જગવીરસિંગ ટાંક શીકલીગર (ઉ.વ.25 રહે. વંથલી) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ શિકલી ઘરે બેલડી પાસેથી બે ચોરાઉ વાહન જાયલો ગાડી, આઇફોન, રોકડ રૂપિયા 5400 તથા ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ડિસ્મિસ સહિત રૂ.3.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 7 લાખની મત્તા ચોરી અને બે વાહનની ચોરીના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ બેલડી ઝાયલો ગાડી લઈ સુરતથી અહીં ગોંડલ પાસે આવી ગાડી અહીં મૂકી અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ચોરી કરી બાદમાં ગુંદાળા રોડ વિસ્તાર તેમજ જેતપુર રોડ વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરી બંને બાઈક અવાવરૂ જગ્યાએ મૂકી દીધા હતા.
કારમાં આવી બાઈકની ચોરી કરી ઘરફોડીને અંજામ આપતા
પોલીસે ઝડપાયેલી શીકલીગરની મોડેસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ કાર લઇ આવી કાર હાઇવે રોડ નજીક આવવાનું જગ્યાએ પાર્ક કરી હાઈવે રોડ નજીક આવેલા રહેણાક વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી બાદમાં રહેણાંક વિસ્તારોમાં મકાનના તાડા તોડી ઘરફોડ ચોરી કરતા હતા.

