Rajkotતા.9
માર્ચ માસ શરૂ થઇ ગયો છે અને હવે ટૂંકમાં જ નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થશે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ છેલ્લા કેટલાંક દિવસોથી સ્ટેટ જીએસટી વિભાગ, કરચોરી ઝડપી લેવા માટે સક્રિય બન્યું છે.
તાજેતરમાં જ કિચનવેર અને વાસણોનાં વેપારીઓને ત્યાં દરોડા બાદ હવે રાજકોટ જી.એસ.ટી. વિભાગ પણ મેદાને આવ્યું છે અને વડી કચેરીને સુચના મુજબ રાજકોટમાં ટ્રેડીંગ કરતા સોના-ચાંદીના વેપારીઓને ત્યાં દરોડા પાડી કરચોરી અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.
સ્થાનિક જીએસટી વિભાગનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ જે.સી. કક્ષાએથી આ દરોડા પાડવામાં આવ્યા છે. શહેરની સોની બજાર અને સામાકાંઠાના વિસ્તારમાં સોના-ચાંદીનો વેપાર કરતાં 3 વેપારીઓના 8 સ્થળોએ તંત્રની ટીમો ત્રાટકી છે અને સતત બે દિવસથી કરચોરી ઝડપી લેવા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સોના-ચાંદીની ખરીદી અને વેંચાણ કરતા વેપારીઓ દ્વારા બારોબાર ખરીદ-વેચાણ કરી અને વેરાની ચોરી કરાતી હોય છે. આવી કરચોરીની અશંકા સાથે રાજકોટ જીએસટી વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારનાં ત્રણ વેપારીઓનાં રહેઠાણ-દુકાન સહિતનાં આઠ સ્થળોએ તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે. આ તપાસનાં અંતે મોટી રકમની કરચોરી ખુલ્લે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે.

