Rajkotતા.18
દેશભરમાં વધતી એલપિજિ ગેસની અછત અને આસમાને પહોંચેલી મોંઘવારીના કારણે સામાન્ય પ્રજા ભારે પરેશાન થઈ રહી છે. ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મેળવવા માટે મહિલાઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જે ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને સ્પષ્ટ દર્શાવે છે.
નોટબંધી દરમિયાન બેંકની લાઈનો, કોરોનાકાળ દરમિયાન ઓક્સિજન માટેની લાઈનો અને હવે એલપિજિ ગેસ માટેની લાઈનો-આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપ સરકાર લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ત્યારે મહિલા કોંગ્રેસના આગેવાનો જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર મોટા મોટા વચનો આપે છે, પરંતુ જમીન પર કોઈ કાર્ય દેખાતું નથી. સબકા સાથ, સબકા વિકાસ જેવા નારા માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. હકીકતમાં સામાન્ય પ્રજાનો નહીં, પરંતુ ભાજપના હોદ્દેદારોનો જ વિકાસ થયો છે, જ્યારે પ્રજા મોંઘવારી અને અછતના ભાર નીચે દબાઈ રહી છે.
વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારો માટે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે રસોઈ ગેસના વધતા ભાવ અને અછતના કારણે ઘરખર્ચ સંભાળવો વધુ કઠિન બન્યો છે. બીજી તરફ, એલપિજિ ગેસમાં વધતી કાળાબજારી સરકારના નબળા નિયંત્રણને દર્શાવે છે.
આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણ બાગ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રજાની વ્યથા વ્યક્ત કરી હતી.અને સિલીન્ડરની નનામી કાઢી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે કે તાત્કાલિક એલપિજિ ગેસની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે, ભાવમાં રાહત આપવામાં આવે અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવે છે.
આ વિરોધ પ્રદર્શન દીપ્તિબેન સોલંકીની આગેવાની હેઠળ યોજાયું હતું, જેમાં જયાબેન ચૌહાણ, દીપુ રવિયા, હિરલબા રાઠોડ, ચંદ્રિકાબેન વરણીયા, કંચનબેન વાળા, જયાબેન ટાંક, મેરૂબેન કુરેશી, ભાવનાબેન વાઘેલા, વિભૂતિબેન ત્રિવેદી, રેણુકાબેન પટેલ, મીનાબેન ચૌહાણ, દીપાલિબેન લાઠીયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદાર બહેનો જોડાયા હતા.

