Rajkot, તા.20
રાજકોટના ઇતિહાસનું સૌથી મોટુ ઓપરેશન ડિમોલીશન કરવામાં આવ્યાને મહિનો થવા આવ્યો છે. આ દરમ્યાન મનપા દ્વારા હજુ 1પ મીટરનો નવો ડીપી રોડ બનાવવાનો પ્લાન અમલી બની શકયો નથી ત્યારે ડિમોલીશનવાળા વિસ્તારમાં અમુક જગ્યાએ ફરી મકાનોનું ગેરકાયદે બાંધકામ શરૂ થવાની ફરિયાદો મહાપાલિકા સુધી પહોંચી છે. આ અંગે તંત્ર દ્વારા ખરાઇ કરવામાં આવી રહી છે.
જંગલેશ્વરમાં કોર્પોરેશને ત્રણ દિવસ ચાલેલા ડિમોલીશનમાં 1400થી વધુ બાંધકામ તોડયા હતા. સોરઠીયા વે-બ્રીજથી શરૂ થતા છેક કેદારનાથ સોસાયટી પાછળના ભાગ સુધીમાં 1પ મીટરના રોડ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.
છેલ્લા દિવસે બંગલા સહિતના બાંધકામો તોડવામાં મનપાએ હિટાચી જેવી મશીનરી કામે લગાડવી પડી હતી. બાદમાં તુરંત અઢી કિ.મી.માં 1પ મીટરનો રોડ બનાવવા આયોજન કર્યુ હતું. પરંતુ હજુ વહીવટી અને ટેકનીકલ કામગીરી ચાલી રહી છે. આથી રોડનું કામ શરૂ થયું નથી. પરંતુ રોડનો તમામ કાટમાળ ઉપાડી લેવામાં આવ્યો હતો.
હવે ઓપરેશનને એક મહિનો થવા આવતા અમુક ભાગમાં કેટલાક મકાનોનું બાંધકામ શરૂ થયાનું દેખાયું છે. આ અંગે તંત્ર એવું કહે છે કે અમુક આસામીના પાર્ટ મકાનો કપાયા હતા. આથી તેઓ પોતાની માલિકીની જગ્યામાં નવું બાંધકામ કરી રહ્યા છે. આમ છતાં તંત્ર ફરી ચકાસણી કરાવશે તેમ કહ્યું છે. નદી પટ્ટ વિસ્તારમાં પણ ફરી કોઇ બાંધકામ થયા નથી ને તેની ચકાસણી કરાઇ રહી છે.
તો કલેકટરની જગ્યામાં કોઇ નવું બાંધકામ દેખાય તો પણ તપાસ કરવામાં આવશે તેમ અધિકારીઓ કહે છે.

