Rajkot,તા., 19
શહેરના કાલાવડ રોડ પર ઈસ્કોન મંદીર પાછળ આવેલ રૂડાનગર-3ના પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન હોરા કોર્પોરેશનને પત્ર પાઠવીને પાણી સહિતની અસુવિધા મામલે પોકાર કરવામાં આવ્યો છે. સાથે જ મોટા મવાના રહેવાસીઓની જેમ મતદાન બહિષ્કારની તૈયારી દેખાડી છે.
રૂડાનગર-3 ના સહેવાસીઓએ મ્યુનિ. કમિશનરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે રૂડાનગર-3, 1988થી અસ્તિત્વમાં આવેલી છે અને વર્ષ 2019 થી તેનો રાજકોટ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોસાયટીના લતાવાસીઓ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા તમામ ટેકસ નિયમીત ભરે છે. તેમ છતા રૂડાનગર-3 માં પીવાના પાણી માટે કોર્પોરેશન તંત્ર દ્વારા નળ કનેકશન આપવામાં આવ્યું નથી. જેથી ભર ઉનાળે લોકો હેરાન-પરેશાન થઈ રહવા છે.
આ બાબતે અગાઉ કોર્પોરેશન તંત્રને વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભર ઉનાળે પાણી માટે લતાવાસીઓની હેરાનગતીનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત રસ્તા, ગટર, કચરાના ગંજ સહિતના પ્રશ્નોથી પણ લતાવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે.
રૂડાનગર-3 પ્લોટ હોલ્ડર્સ એસોસીએશનના માધ્યમથી લતાવાસીઓએ કોર્પોરેશન તંત્રને આવનારી મહાનગર પાલીકાની ચુંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી પણ આપી છે તેમજ જો પ્રશ્ર્નનો ઉકેલ ન આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પ્રમુખ દાદુભાઈ ભાયાભાઈ બોરીચા, ઉપપ્રમુખ રામદેવભાઈ, કમલેશભાઈ આવલગા, રેખાબેન દવેસહિતનાએ સોસાયટીના લોકોએ આપી છે.

