Rajkot, તા.20
યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિનો સીધો પ્રભાવ રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહ્યો છે. બાંધકામ માટે જરૂરી કાચા માલના ભાવમાં અચાનક ઉછાળો આવતાં બિલ્ડરોના બજેટ ખોરવાઈ ગયા છે અને ઘણા પ્રોજેક્ટ્સ અટકવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. હાલની પરિસ્થિતિએ સમગ્ર સેક્ટરમાં અનિશ્ચિતતા ઊભી કરી છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીમાં અત્યારે મોટું સંકટ ઊભું થયું છે. યુદ્ધને કારણે રો-મટીરિયલ મોંઘું થતા અને ગેસની અછત સર્જાતા હજારો સિરામિક યુનિટોના પૈડાં થંભી ગયા છે. આ સ્થિતિની સૌથી ગંભીર અસર રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર પડી છે, જ્યાં ટાઈલ્સ અને સેનિટરી વેરનો પુરવઠો ખોરવાતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે.
મોરબી, જે સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યાં આ અસર વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. ગેસ પુરવઠામાં ખલેલ પડતા અનેક સિરામિક એકમો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી ઉદ્યોગ એસોસિએશને ગેસ પુરવઠો સામાન્ય ન થાય ત્યાં સુધી સ્વયંભૂ એક મહિના માટે ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ પરિસ્થિતિનો ફટકો હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ દેખાઈ રહ્યો છે. ટાઈલ્સ અને અન્ય રો મટીરીયલ્સ ન મળવાને કારણે અનેક બાંધકામ પ્રોજેક્ટ હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. જે મટીરીયલ ઉપલબ્ધ છે તે પણ લગભગ 20 ટકા વધેલા ભાવ સાથે મળી રહ્યું છે, જેના કારણે પ્રોજેક્ટના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
રિયલ એસ્ટેટ ના પ્રમુખ પરેશ ગજેરા જણાવે છે કે, યુદ્ધ ની અસર હવે રિયલ એસ્ટેટ પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, વાયર ના ભાવ વધી રહ્યા છે. હવે મોરબી સહિત ની અનેક ઈન્ડસ્ટ્રી બંધ થતાં રો મટીરીયલ્સ મળવાનું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે. જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં અનિશ્ચિતતા વ્યાપી ગઈ છે.
સ્ટીલ, કોપર જેવા મુખ્ય કાચા માલના ભાવમાં આશરે 20 ટકા સુધીનો મોટો વધારો નોંધાયો છે. સાથે જ ટાઇલ્સ અને સિરામિક ઉત્પાદનોની અછત સર્જાતા બાંધકામના ખર્ચમાં વધુ વધારો થયો છે. પરિણામે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે ચાલી રહેલા અનેક પ્રોજેક્ટ અધવચ્ચે અટકી ગયા છે. શહેરમાં અર્ધો ડઝન જેટલા પ્રોજેક્ટ્સ બંધ થવાની નોબત આવી છે.
રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી અનેક નાની-મોટી વસ્તુઓના ભાવમાં વધારો થતાં સમગ્ર બાંધકામ ખર્ચ વધી ગયો છે. ટાઇલ્સ, સિરામિક વસ્તુઓ, વોશ બેસિન, વાયરીંગ, સ્વીચ બોર્ડ, પાઇપલાઇન, સ્ટીલની જાળી અને ગ્રીલ જેવી વસ્તુઓ બાંધકામમાં આવશ્યક છે. આ તમામ વસ્તુઓ મોંઘી થતાં પ્રોજેક્ટના કુલ ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે બજારમાં મંદી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આ અસર માત્ર રિયલ એસ્ટેટ પૂરતી મર્યાદિત નથી રહી. અન્ય સંબંધિત ઉદ્યોગો પર પણ તેની અસર થઈ છે, જેના કારણે નાણાંકીય રોટેશન ધીમું પડ્યું છે. જમીન સોદા અટકી ગયા છે અને બુકિંગ થયા બાદ ફ્લેટ, ઓફિસ અથવા દુકાનના પેમેન્ટમાં વિલંબ જોવા મળી રહ્યો છે. ડેવલોપર્સ તેમજ ગ્રાહકો બંને માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે.
જો હાલની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ટાઈલ્સ અને અન્ય બાંધકામ સામગ્રીના અભાવે અનેક પ્રોજેક્ટ બંધ થવાની શક્યતા ઊભી થઈ શકે છે. ઉદ્યોગકારો અને ડેવલપર્સ બંને માટે આ સમય અત્યંત પડકારજનક બની રહ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ કેવી રીતે સુધરે છે તે પર તમામની નજર ટકેલી છે.
એલ્યુમિનિયમના ભાવમાં તેજી : 10 ટકાનો વધારો
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિવિધ બાંધકામ સામગ્રી જેમ કે સિરામિક, કોપર વાયરિંગ, સ્વીચ બોર્ડ, પાઇપલાઇન, સ્ટીલની જાળી અને ગ્રીલનો વ્યાપક ઉપયોગ થાય છે. છેલ્લા થોડા સમયમાં આ તમામ સામગ્રીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે બાંધકામ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
ખાસ કરીને એલ્યુમિનિયમના ભાવમાં તેજી નોંધાઈ છે. યુદ્ધ પહેલા એલ્યુમિનિયમનો ભાવ 300 રૂપિયા થી ઓછોે હતો, જ્યારે હાલના સમયમાં તે વધીને 350 રૂપિયા કરતાં વધુ થઈ ગયો છે. આ વધારો માત્ર લાંબા ગાળાનો જ નથી પરંતુ છેલ્લા 15 દિવસમાં જ અંદાજે 10 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ ભાવવધારોના કારણે બિલ્ડરો અને ડેવલોપરો માટે પ્રોજેક્ટ ખર્ચ વધ્યો છે, જેના સીધા અસર ઘર ખરીદનારાઓ પર પણ પડી રહી છે. પરિણામે રિયલ એસ્ટેટ માર્કેટમાં મકાનના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી રહી છે.

