Rajkot તા.20
રાજકોટ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે કમૌસમી વરસાદ તુટી પડતા ભરઉનાળે અષાઢી માહોલ છવાઈ જવા પામેલ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ વાવાઝોડા સાથે ખાબકી પડતા ખેતીપાકને મોટો ફટકો પડયો છે. આ ઉપરાંત અનેક વૃક્ષો અને વીજ થાંભલાનો સોથ વળી જવા પામેલ હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ગુલ થઈ જવા પામેલ હતો.
જેતપુર
જેતપુર શહેર અને તાલુકાના વિસ્તારમાં ગઈકાલે અચાનક સાંજે ચાર વાગ્યાના સુમારે તોફાની ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં તોફાની પવનની ગતિ તેજ બનતા અનેક વિસ્તારોમાં વૃક્ષ, ઈલેકટ્રીક પોલ ધરાશાયી થયા હતા. ધોરાજી રોડ પર રહેણાંક વિસ્તારમાં ઈલેકટ્રીક પોલ નીચે ધરાશાયી થયા હતા. જયારે એક ખુલ્લા મેદાનમાં કાર પર વૃક્ષ પડતા કારને નુકશાન થયેલ હતું. સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હોય ભારે પવન ફુંકાવા લાગતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગઈકાલે બપોરે ચાર વાગ્યા પછી કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડતા ખેડૂતોને ફરી એકવાર નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ઘઉં, જીરૂ, કઠોળના પાકને ભારે નુકશાન થવા પામેલ છે ખેડુતોને વહેલી તકે સહાય ચુકવવા માંગણી ઉઠી છે.
ગોંડલ:-
ગોંડલમાં ગઈકાલે બપોર બાદ હવામાન પલટાયું હતુ.અને વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો ઘર મા પુરાયા હતા.ભારે તેજ પવન અને વરસાદ ને પગલે રાજમાર્ગો સુમસામ બન્યા હતાં.
વાવાઝોડા ને કારણે શહેર માં અનેક વૃક્ષો ધરાશઇ થયા હતા.મોટા હોર્ડીંગ નાં લીરા ઉડ્યા હતા.કોલેજચોક માં મધુરમ પાન ઉપર આવેલુ હોર્ડીંગ ધરાશઇ થયુ હતુ.
પતરા કાગળ ની માફક ઉડ્પા હતા.બસસ્ટેન્ડ માં આવેલ તોતિંગ વૃક્ષ ધરાશઇ થતા સર્વિસ સ્ટેશન તથા ઓરડી સહિત નો ભાગ તુટી પડ્યો હતો.ગોંડલ નાં ડૈયા, શિવરાજગઢ, મોવિયા સહિત નાં ગ્રામ્ય વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
ઉપલેટા:-
ઉપલેટા ગઈકાલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ હવામાનનો પલટો આવ્યા બાદ ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો સાંજના 4:15 થી શરૂ થયેલો વરસાદ ઉપલેટા શહેરમાં 17 મીમી વરસાદ નોંધાયેલ છે તાલુકાના મોટી પાનેલી તથા ભાયાવદર તથા ખીરસરા ધેટીયા તથા સહિત ગ્રામ વિસ્તારમાં વરસાદ પડેલ છે વરસાદ છે ખેતરમાં ઉભેલા ઘઉં તથા એરંડા ચણા સહિત પાકોમાં નુકસાન થયેલ જેમા તાલુકાના પ્રાસલા ગામે બપોરના વીજુડીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયેલો ત્યારે ગામમાં વીજળી પડતા એક મહિલાને ઇજા થયેલ છે બે પુત્રોને સામાન્ય ઈજા થયેલ છે પ્રાસલા ગામે રેતી મહિલા રમાબેન રાણાભાઇ ચૌહાણ ને વીજળી પડતા ગંભીર જાતા જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ છે જ્યારે અન્ય બે પુત્રોને સામાન્ય ઈજા થયેલ છે.
કોટડાસાંગાણી:-
કોટડાસાંગાણી પંથકમાં ગઈકાલે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતો અને ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કુદરતી પ્રકોપના કારણે અનેક સ્થળોએ વીજપોલ અને વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.
આ કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં ઉભેલા અને લણણીના આરે આવેલા પાક જેવા કે:ડુંગળી અને લસણ ચણા અને જીરું ધાણા આ તમામ રવિ પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. જાણે કુદરતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
વીજ પુરવઠો ખોરવાયો અને માળખાગત નુકસાન
ભારે પવનની ગતિ એટલી તેજ હતી કે માણેકવાડા ગામ સહિત અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. વીજ લાઈનોના વાયરો તૂટી પડવાને કારણે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પંથકનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો., જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. તંત્ર દ્વારા રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની અને વીજ પુરવઠો વહેલી તકે કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

