Rajkot તા. 20
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ ગઇકાલે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક હવામાન પલ્ટા સાથે 40 થી 60 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડા જેવો પવન ફુંકાવા સાથે 0.5 થી 1.5 ઇંચ જેટલો તોફાની વરસાદ કરા સાથે વરસતા ઠેર ઠેર ઘઉં, જીરૂ, બાજરો તથા કેરી, ચીકુ, કેળા સહિતનાં પાકોને ભારે નુકસાન થતા ખેડુતોની હાલત દયનીય બની હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં બપોરે 4 થી 6 વચ્ચે 37 મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસ્યો હતો. અમુક વિસ્તારોમાં બરફનાં કરા પણ વરસ્યા હતા.
ખાસ કરીને તોફાની પવન સાથે વરસાદ વરસતા સમગ્ર શહેરમાં પ0થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો હતો. તો અમુક જગ્યાએ વિજ પોલને પણ નુકસાન થયું હતું. જયારે તોફાની પવનનાં પગલે વિજ ફીડરોમાં પણ ફોલ્ટ આવતા અડધા રાજકોટમાં લાઇટો ગુલ થઇ હતી જોકે આજે સવારથી ફરી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં આકાશ સ્વચ્છ થયું હતું અને સુર્યદેવતાએ દર્શન દીધા હતા.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢના ભેંસાણ ખાતે પણ ગાજવીજ અને તોફાની પવન વચ્ચે 1.38 ઇંચ, અમરેલીનાં બગસરામાં પોણો ઇંચ, રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં પોણો, ઉપલેટામાં પોણો, લોધીકામાં પોણો, કોટડાસાંગાણીમાં 0.5 ઇંચ, ઓખામાં પોણો, મુંદ્રામાં પોણો તથા જામનગરનાં લાલપુરમાં પોણો, ભુજમાં 0.5, ચોટીલામાં 0.5, કાલાવડમાં 0.5 ઇંચ જયારે વંથલી, ધ્રાંગધ્રા, લખપત, નખત્રાણા, જુનાગઢ શહેર, પોરબંદર, બોટાદ, મોરબીમાં 0.5-0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર શહેર અને જિલ્લામાં બપોરે 3.40 વાગ્યા બાદ મોસમે એકાએક મિજાજ બદલ્યો હતો, અને તોફાની પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું.
પ્રતિ કલાકના 60 કિ.મી. થી પણ વધુની ઝડપે વાવાઝોડું ફુકાવાની સાથે સાથે વરસાદ પણ શરૂ થયો હતો, જેને કારણે ભારે અફડા તફડી સર્જાઇ હતી. સૌપ્રથમ જામનગર શહેરમાં તોફાની પવન સાથે ફુકાયેલા વાવાઝોડા ના કારણે અનેક ઝાડ જમીનદોસ્ત થયા હતા, જયારે જાહેરાતના હોર્ડિંગ્સ ઉડ્યા હતા. પંચેશ્વર ટાવર વિસ્તારમાં મોબાઇલનો ટાવર જમીન દોસ્તી થઈ ગયો હતો. જયારે અનેક સ્થળોએ વીજ પોલ ભાંગી ગયા હતા.
ઝાડ પડવાના કારણે 20 થી વધુ કાર તથા અન્ય વાહન દબાઈ ગયાના અહેવાલો મળ્યા છે. જ્યારે કેટલાક રસ્તા પણ અવરોધાયા હતા. સદભાગ્ય કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
તોફાની પવનના કારણે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક મોલના કાચ તૂટીને નીચે પડ્યા હતા. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે મોડેથી ધીમે ધીમે વીજ સપ્લાય પૂર્વવત બન્યો હતો. વરસાદ પણ રોકાઈ ગયો હોવાથી અને પવન સમી ગયો હોવાથી લોકોએ હાસકારો અનુભવ્યો હતો.
જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ અને જામજોધપુર પંથકમાં વિનાશક વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી. લાલપુર પંથકમાં તોફાની પવન સાથે 16 મી.મી. વરસાદ પડી ગયો હતો. તે જ રીતે કાલાવડ માં 9 મી.મી. અને જામજોધપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાલપુરના અમુક વિસ્તારમાં આજે બપોરે બરફના કરા પડ્યા હતા, અને ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ હતી. ઉપરાંત વિજ તંત્રને પણ વધારે નુકસાની થઈ હતી. અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, વિજતંત્રની ટુકડીઓ મોડે સુધી કામે લાગી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કમોસમી વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે વરસેલા અનરાધાર વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો.
ચોટીલા શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળતા દ્રશ્યો કંઈક અંશે પૂર જેવા ભયાનક જોવા મળ્યા હતા. શહેરના નિચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ચોટીલા શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે માજા મૂકી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અચાનક આવેલા વરસાદે સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી હોય તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
જયારે ખંભાળિયા પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગઈકાલે સવારથી ઉષ્ણતામાનનો પારો નીચે ઉતાર્યો હતો. આ પરિસિ્થતિ વચ્ચે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો.
વંટોળિયા પવનના કારણે ધૂળ અને ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું. જેના કારણે ઠેર ઠેર કચરો ઉડતો જોવા મળ્યો હતો. મીની વાવાઝોડા જેવા ભારે પવનના પગલે ઠેક-ઠેકાણે દુકાનોના રસ્તા પર બેનરો ઉડતા જોવા મળ્યા હતા.
આજે સવારથી વાતાવરણમાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને વરાપ રહ્યો હતો. તથા ગઈકાલે સાંજે તળાજા શહેર અને સમગ્ર તાલુકા મા માવઠા- વાવાઝોડા ની અસર શરૂ થઈ હતી.ભારે પવન ના પગલે તળાજા ની બજાર હોય કે ગામડાઓના રસ્તા પર વંટોળીયાઓ ઉઠ્યા હતા.આકાશ ધૂળ થી છવાયેલ જોવા મળ્યું હતું.
સરકાર દ્વારા’ આત્મનિર્ભર’ ની વાતો વચ્ચે વિજતંત્ર ને ભારે પવન ને લઈ વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે પવન,વરસાદ સાથે વીજળી સાથે ના કડાકા થવા લાગતા વાતાવરણ બિહામણું થયું હતું.
યાર્ડના પૂર્વ પ્રમુખ હરિભાઈ ઇટાલિયા એ જણાવ્યું હતુ કે અલંગ મણાર સોસિયા વિસ્તારમાં વધુ અસર દેખાય છે.જેને પગલે ખાસ કરીને આંબા,કેળ ચીકુ જેવા બાગાયતી પાક સાથે હાલ અનેક ખેતર મા ઘઉં ચણા અને બાજરો હોય તેને વ્યાપક નુકસાન છે.
તળાજા ના અર્થતંત્ર ખાસ કરીને ખેડૂતો ને કરોડો રૂપિયા ની નુકશાની જાણકારો દર્શાવી રહ્યા છે. ભારે પવન ના કારણે કાચીકેરી(ખાખટી)મોટા પ્રમાણ મા ખરી હોય ઇજારેદારો ને નુકસાન છે તો બીજી તરફ બજારમાં મોટા પ્રમાણમાં ખાખટી સસ્તી જોવા મળશે.

