Rajkot,તા.28
શહેરના સહકાર રોડ પર સાધના સોસાયટીમાં આજે બપોરે ગેસના બાટલામાં લીકેજ થતા આગ ભભૂકી ઊઠી હતી. બનાવને પગલે બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવામાં આવ્યો હતો. જયારે આગ બુજાવવા ગયેલા બે પાડોશીઓ દાઝી જતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં દુર્ઘટનાગ્રસ્ત મકાનના ગ્રાઉન્ડ રાખવામાં આવેલ 200 લીટર ડીઝલનો જથ્થો આગની ચપેટમાં નહીં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગની ઘટનાની ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે 12:54 વાગ્યે સહકાર મેઈન રોડ પર સાધના સોસાયટી 2/5 ના ખૂણે આવેલ જી+2 નું બાંધકામ ધરાવતા મકાનમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જે કોલ મળતાની સાથે જ મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશન ખાતેથી અલગ અલગ બે ફાયરફાઇટરને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા હતા. અહીં ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ પાણીનો અને કાર્બન ડાયોક્સાઇડ ગેસનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ મકાન અશોકભાઈ કરશનભાઈ રૈયાણી નામના રહીશનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમો અહીં પહોંચે તે પૂર્વે પાડોશીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો. જે પ્રયત્ન દરમિયાન પાડોશમાં રહેતા શામજીભાઈ લાખાભાઈ દેસાઈ (ઉવ 77) અને મોહિત દિપકભાઈ ત્રિવેદી (ઉવ 20) એમ કુલ બે પાડોશીઓ દાઝી જતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે આગની ઘટનામાં એક અર્ટિગા કાર અને એક સ્કૂટર સહીત બે વાહનો પણ ભસ્મિભૂત થઇ ગયા હતા. ગેસ સિલિન્ડરમાં લિકેજ થતાં આગ ભભુકી ઉઠ્યાનું પ્રાથમિક તારણ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. અત્રે અત્યંત બાબત છે કે, ફાયર જે મકાનમાં આગ લાગી હતી ત્યાં કેટરર્સની સામાન ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકવામાં આવ્યો હતો. જે સામાનમાં કોમર્શિયલ સંખ્યાબદ્ધ ગેસ સિલિન્ડરો અને 200 લિટર ડીઝલનો જથ્થાનો પણ સમાવેશ થતો હતો. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર જ અલગ અલગ ચાર કેરબામાં 200 લિટર ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે આગની ચપેટમાં ડીઝલનો જથ્થો નહીં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં બે લોકો ઇજાગ્રત થયા છે પરંતુ સદનસીબએ બમોટી જાનહાની ટળી છે.સંખ્યાબદ્ધ ગેસ સિલિન્ડર અને ગેરકાયદે ડીઝલનો જથ્થો સંગ્રહિત કરવા અંગે ફાયર બ્રિગેડની ટીમે ઘરધણીને નોટિસ ફટકારી કાગળો રજુ કરવા આદેશ આપ્યાનું જાણવા મળી રહ્યું છે.

