શાપરના શિવમે ઘરે ઉંદર મારવાનું બિસ્કિટ ખાધું જયારે ચોરડીના ફતેહસિંહે કારખાનામાં ઝેરી દવા પીધી, બંનેને સિવિલ ખસેડાયા
Rajkot,તા.31
રાજકોટ જિલ્લાના શાપર અને ગોંડલના ચોરડી ગામે બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવાનોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે, બંને યુવાનોને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શાપરના શીતળા મંદિર પાસે રુદ્ર એન્જિનિયરિંગ નજીક રહેતા શિવમભાઈ અજયભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૫)એ ગઈકાલે રાત્રે આશરે ૮:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાનું બિસ્કિટ ખાઈ લીધું હતું. તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં, મૂળ દાહોદના અને હાલ ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં રહેતા ફતેહસિંહ બાબુભાઈ રાઠોડ (ઉં.વ. ૨૧) નામના યુવકે કારખાનામાં કામ દરમિયાન ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફતેહસિંહ પાંચ ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરનો સંતાન છે. હાલ ફતેહસિંહની હાલત નાજુક હોવાનું જણાયું છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે. શાપર અને ગોંડલ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

