Rajkot. તા.06
આઈપીએલ સિરીઝની શરૂઆતથી જ ક્રિકેટ સટ્ટો રમવા બુકીઓ મેદાને આવ્યા છે, ત્યારે પોલીસ પણ દરોડા પાડી ક્રિકેટ સટોડીયાઓને પકડી રહી છે. ત્યારે પોલીસે પારસી અગીયારી ચોકમાંથી નઝીર ઉર્ફે મુન્નો ઠાસરીયા અને રેલનગર વેકરીયા ચોક પાસેથી શાહરૂખ જુણેજાને ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે ટીમને ગીરનાર ટોકીઝ પાસે એક શખ્સ મોબાઇલમાં ઓન લઈને ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા નઝીર ઉર્ફે મુન્નો અલ્લારખા ઠાસરિયા (રહે. ભીલવાસ) હોવાનું જણાવ્યું હતું.
તેની પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તે રોયલ ચેલેન્જ બેંગ્લોર RCB વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ CSK વચ્ચે ચાલતી આઈ પી એલ 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતાં મોબાઇલ સાથે ધરપકડ કરી હતી.
બીજા દરોડામાં પીસીબીની ટીમે રેલનગર, વેકરીયા ચોક નજીક આવેલા બાલાજી પાર્કમાં જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ALLPANEL.777 .NOW નામની આઈડી પર ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ પર ચાલતો લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી 20-20 મેચ પર જુગાર રમતો રેલ નગરમાં બાલાજી પાર્કમાં રહેતો શાહરૂખ સિરાજ જુણેજા નામના શખ્સને મોબાઈલ સાથે પીસીબીની ટીમે ઝડપી લીધો હતો અને બંને શખ્સોએ આઈડી ક્યાં બુકી પાસેથી મેળવી તે અંગે તપાસ આદરી છે.

