Morbi,તા.07
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપમાં ટિકિટની દાવેદારીને લઈને ખેંચતાણ શરૂ થઈ છે. વોર્ડ નં. ૩ ની ઓબીસી (બક્ષીપંચ) અનામત બેઠક પર અન્ય વોર્ડના ઉમેદવારને ટિકિટ આપવાની હિલચાલ સામે સ્થાનિક કાર્યકરોએ એકસૂરે વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારોને લેખિત રજૂઆત કરીને ‘સ્થાનિકને ન્યાય’ આપવાની માંગ કરવામાં આવી છે.
કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, વોર્ડ નં. ૩ માં ઘણા પાયાના અને પક્ષને સમર્પિત કાર્યકરો છે જેમણે આ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. તેમ છતાં, ચર્ચા મુજબ આ વોર્ડમાં સ્થાનિક ન હોય તેવા ‘આયાતી’ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની શક્યતા જણાતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષની ગાઈડ લાઈન મુજબ પાયાના કાર્યકર્તાઓને જ પ્રાધાન્ય મળવું જોઈએ તેવી રજૂઆત સાથે જણાવવામાં આવ્યું છે કે જો સ્થાનિક કાર્યકરોની અવગણના કરવામાં આવશે તો પક્ષમાં અસંતોષ વધશે, જેનું નુકસાન પક્ષને ભોગવવું પડી શકે છે.
વોર્ડ નં. ૩ ના ભાજપના કાર્યકરો અને બક્ષીપંચ સમાજના લોકોની લાગણી છે કે ટિકિટની માંગણી કરનાર સ્થાનિક ઉમેદવારોમાંથી જ કોઈને પસંદ કરવામાં આવે. જો બહારના કોઈ પણ વ્યક્તિને અહીં ટિકિટ મળશે તો તેનો સખત વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા અને શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દેદારોને મોકલીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.

