Porbandar, તા.8
યુદ્ધને લઈને ખાડી દેશોમાં માછલીની નિકાસ ઘટી ગઈ છે ત્યારે હાલ પોરબંદરના બંદર પર રહેલ 50 ટકા બોટો સિઝન પૂર્ણ થવાના બે માસ પહેલા થી જ બંધ કરી દેવામાં આવી છે. જેથી હજારો માછીમારો બેરોજગાર બન્યા છે.
અમેરિકા, ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈને અનેક દેશોમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને યુદ્ધને લઈને ઈરાન દ્વારા માલવાહક જહાજોના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી વિશ્ર્વના અનેક દેશોમાં ક્રૂડ સહિતના સામાનની નિકાલ અટકી છે ત્યારે ભારતમાં પણ ક્રૂડ સહિતની વસ્તુઓની નિકાસ માં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને તેમાં ખર્ચે અને સમયમાં પણ વધારો થઈ રહ્યો છે.
જેથી હાલ મોટાભાગના નિકાસ અટક્યો છે ત્યારે ખાડી તેમજ યુરોપના દેશોમાં નિકાસ અટકી જતા હાલ માછીમારી વ્યવસાયમાં પણ ભારે ફટકો પડયો છે. એક તરફ માછીમારો દ્વારા મોકલવામાં આવેલ સી ફૂડના ક્ધટેનરો અટકયા છે તેમજ તેમનું પેમેન્ટ પણ અટક્યું છે તો બીજી તરફ સ્થાનિક લેવલે માછલીઓના પૂરતા ભાવ ન મળતા તેમજ માછીમારોને ફિસિંગનો ખર્ચ વધુ થતો હોવાથી પોરબંદર બંદર પર રહેલ નાની મોટી કુલ 5500 બોટોમાંથી 50 ટકા બોટો યુદ્ધની સ્થિતિને લઈને સિઝન પુરી થવાના 2 માસ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે.
પોરબંદરના બંદર પર રહેલ 2 હજાર મોટી બોટો અને 1500 નાની બોટો 2 માસ પહેલા બંધ થતાં તેમાં કામ કરતા 20 હજાર જેટલા માછીમારો બેરોજગાર બન્યા છે જેથી પોરબંદરના અર્થવ્યવસ્થાને સીધી અને આડકતરી રીતે કરોડો રૂપિયાનું નુકશાન વેઠવું પડશે.

