બપોર બાદ અચાનક જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા
Porbandar,તા.૧૫
રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં સોમવારે અચાનક જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની ધમાકેદાર ઝલક જોવા મળી છે. બપોર બાદ અચાનક જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા.
છેલ્લા કેટલાય દિવસોથી પોરબંદરમાં અસહ્ય ગરમી અને બફારાને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં અચાનક શરૂ થયેલા વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટ ગાયબ થઈ ગયા છે અને વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. આ આકરા ઉનાળા બાદ વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને મોટી આશિક રાહત મળી છે. આ વરસાદ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.બીજી તરફ વાતાવરણમાં થયેલા આ ફેરફારની સીધી અસર પોરબંદરના અરબી સમુદ્ર પર જોવા મળી રહી છે. સમુદ્રમાં કરંટ વધતા વિશાળ મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ ભયજનક સ્થિતિને જોતા વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે, અને માછીમારો તેમજ પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
પ્રિમોન્સૂન વરસાદની આ એન્ટ્રીથી સૌથી વધુ ખુશી જગતના તાતના ચહેરા પર જોવા મળી રહી છે. વાવણીના સમયની આસપાસ જ વરસાદી માહોલ બંધાતા પોરબંદર પંથકના ખેડૂતો હવે ચાતક નજરે મેઘ મહેરની રાહ જોઈ રહ્યા છે.
જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતો વહેલી તકે વાવણીના કામોમાં જોતરાઈ જશે.

