New Delhi,તા.10
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાલ તેઓ અલ્લાહબાદ હાઈકોર્ટમાં જજ છે પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં તેમના કાર્યકાળ સમયે તેઓના સતાવાર નિવાસે લાગેલી આગમાં મોટી માત્રામાં રોકડ રકમ બળી ગઈ હોય તેવા પુરાવા મળ્યા હતા અને જે વિવાદ સર્જાયો હતો તેના પગલે સુપ્રીમકોર્ટે તાત્કાલીક જસ્ટીસ યશવંત વર્માને અલ્લાહબાદ હાઈકોર્ટમાં પરત મોકલી તેમને કોઈ ન્યાયીક કામગીરી નહી સોંપવા આદેશ આપ્યો હતો.
પરંતુ બીજી તરફ સર્વોચ્ચ અદાલતની કમીટીએ જસ્ટીસ વર્માના નિવાસે લાગેલી આગમાં રોકડ રકમ બળી હોવાનું તપાસમાં ખોલ્યુ હતું અને તેના પગલે જસ્ટીસ વર્મા સામે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી હતી.
જો કે તેમાં આગળ વધાય તે પુર્વે જ જસ્ટીસ યશવંત વર્માએ રાજીનામુ આપી દેતા હવે મહાભિયોગ પ્રક્રિયા આગળ વધશે નહી. એટલું જ નહી જસ્ટીસ વર્માને તેમના જે નિવૃતિ લાભો છે તે પણ મળશે અને તેઓની સામે કોઈ કાર્યવાહી થશે નહી.
આ વિવાદ ગત વર્ષે 1પ માર્ચે શરૂ થયો હતો જયારે તેમના સત્તાવાર આવાસ પર લાગેલી આગમાં એક રૂમમાંથી અર્ધી બળેલી ચલણી નોટોના કોથળા મળ્યા હતા જેનો ખુલાસો જસ્ટીસ વર્મા આપી શકયા નહીં બાદમાં સુપ્રીમ કોર્ટે ત્રણ સદસ્યોની પેનલ પરથી રીપોર્ટ મેળવ્યો હતો અને જસ્ટીસ વર્માને પદ પરથી હટાવવા ભલામણ કરી હતી.
જોકે વર્માએ તે સમયે રાજીનામુ આપવા ઇન્કાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની કમીટીની જ કાર્યવાહીને પડકાર કર્યો હતો અને પોતે કોઇ ભ્રષ્ટાચાર કે અન્ય ગેરરીતિ આચરી હોવાનો ઇન્કાર કર્યો હતો જેથી તેમની સાથે 152 સાંસદોની સહી સાથે સંસદમાં મહાભિયોગ દરખાસ્ત રજુ થઇ હતી જેની કાર્યવાહી ચાલુ હતી.

