Rajkot તા.11
રાજકોટ શહેરમાં મોટા ભાગના વેપારીઓ નાની-મોટી દુકાન કે ઓફિસો વિગેરે ભાડે રાખીને પોતાનો ધંધો ચલાવી રહયા છે ત્યારે ભાડાની વિવિધ કોમર્શિયલ પ્રોપર્ટીઓ જેમ કે, દુકાન, શો રૂમ, ઓફિસ વગેરે ઉપર રાજકોટ મનપા દ્વારા જે બમણો ટેકસ વસુલવામાં આવી રહયો છે. તેના કારણે વેપારીઓ અને પ્રોપર્ટી માલિકોને અસહ્ય આર્થિક બોજનો સામનો કરવો પડી રહયો છે. તેમજ હાલમાં આશરે ૫૦% થી ઉપરનો વેપાર ઓનલાઈન થઈ ગયેલ હોવાથી તેઓના વેપાર-ધંધા ઉપર ગંભીર અસર પહોંચી છે.
રાજકોટ મનપા દ્વારા આવી ભાડાની કોમર્શિયલ પ્રોપર્ટી ઉપર બમણો ટેકસ વસુલવો ખરેખર અયોગ્ય જણાઈ રહયુ છે. કારણે કે જે કોમર્શિયલ પ્રોપર્ટીનો ઉપયોગ માલીક પોતે કરે છે તો સિંગલ ટેકસ લેવામાં આવે છે પણ જ્યારે તે જ પ્રોપર્ટી જો ભાડાપેટે આપવામાં આવે તો તેના ઉપર બમણો ટેકસ વસુલવામાં આવે છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા રાજકોટ મ્યુનિ.કોર્પો.કમિશ્નર તુષાર સુમેરા સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

