સાસરે જવું પડશે તેવા ડરથી પરિણીતાએ એસિડ પી લેતા સારવારમાં દમ તોડ્યો ,પરિવારમાં શોક છવાયો
Rajkot,તા.14
શહેરના સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમી સાથે મૈત્રીકરાર કરી ભાગી ગયેલી ૨૦ વર્ષીય યુવતીએ પિયરમાં સાસરિયાંઓને જોતા જ, ફરી સાસરે જવું પડશે તેવા ડરથી એસિડ પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, શક્તિ સોસાયટીમાં રહેતી રિદ્ધિબેન રણછોડભાઈ ધોળકિયા (ઉ.વ. ૨૦) ના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે માંડાડુંગર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે, લગ્નજીવન દરમિયાન રિદ્ધિને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તે બે દિવસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને મૈત્રીકરાર પણ કર્યા હતા. દીકરીના ભવિષ્યની ચિંતા કરતા માતા-પિતાએ સમજાવટ કરી તેને પિયર પરત બોલાવી હતી. રિદ્ધિના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. શનિવારે સાંજે રિદ્ધિનો સામાન લેવા માટે તેના સાસરિયાં પક્ષના સભ્યો તેના પિયરે આવ્યા હતા. સાસરિયાંઓને ઘર પાસે જોઈને રિદ્ધિને એવો ડર લાગ્યો હતો કે પરિવારજનો તેને પરાણે ફરી પતિ સાથે સાસરે મોકલી દેશે. આ ડરને કારણે આવેશમાં આવી રિદ્ધિએ તેના પરિવાર અને સાસરિયાં પક્ષના સભ્યોની નજર સામે જ એસિડની બોટલ ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

