ટેન્કરની ટક્કરે કારનો કૂરચો, ટ્રકે પલટી મારી,પાંચ લોકોને ગંભીર
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જ્યારે ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પાસે પલટી મારી ગયો હતો. આ ઉપરાંત ટેન્કરના કેબિનનો બુકડો વળી ગયો હતો. ઘટનાના જે દૃશ્યો સામે આવ્યા તે કંપારી છોડાવી દે તેવા હતા.મળતી માહિતી મુજબ ચોટીલાના મોટી મોલડીના રહેવાસી ડાભી અને મેઘાણી પરિવારના લોકો કુચિયાદડ જીઆઇડીસીમાં બેગના કારખાનામાં નોકરી પરથી ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બેટી રામપર ગામ નજીક ઈકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. હાઈવે પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઈકો કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર પડ્યા હતા.ઘટનાસ્થળે મહિલાઓ અને બાળકોની ચીસાચીસ અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.,ઘટનાની ગંભીરતાને જોતા કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મૃતદેહોને કુવાડવા અને એક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૃતકોના નામ
ભાવિષાબેન રમેશભાઈ ડાભી (ઉ.વ. 18)
ધૂનાબેન દિનેશભાઈ ડાભી (ઉ.વ. 25)
લાભુબેન વિનુભાઈ મેઘાણી (ઉ.વ. 55)
વિલાશબેન વિનુભાઈ મેઘાણી (ઉ.વ. 22)
ઈજાગ્રસ્તોના નામ
રમેશભાઈ ગગજીભાઈ ડાભી
લીલાબેન રમેશભાઈ ડાભી
પુરી દિનેશભાઈ ડાભી
શ્રદ્ધા દિનેશભાઈ ડાભી
પ્રકાશભાઈ વિનુભાઈ મેઘાણી.

