ભરણપોષણ અને ભાડું નામંજુર કરી સગીર પુત્રની વચગાળાની કસ્ટડી કેસ ચાલતા સુધી પુર્વ પત્નીને સોંપવાના હુકમ સામે પતિએ દાદ માંગી તી
Rajkot,તા.14
ઘરેલુ હિંસાની ફરિયાદમાં સગીર પુત્રની વચગાળાની કસ્ટડી પુર્વ પત્નીને સોંપવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ એપેલન્ટ કોર્ટે રદ કરી બાળકનો કબજો પતિ પાસે જ રાખવા હુકમ ફરમાવ્યો છે.વધુ વિગત મુજબ મોરબી ખાતે રહેતા પટેલ ધીરેન ભુદરભાઈ મકાસણાના નિશાબેન સાથે લગ્ન કર્યા હતા, સંતાનમાં ત્રણ વર્ષના પુત્ર છે.ચારેક વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા થયા હતા.ત્યારથી પુત્રનો કબજો ધિરેન મકાસણા પાસે હતો. દરમિયાન પુર્વ પત્ની નિશાબેને રજિસ્ટ્રાર રૂબરૂ રજિસ્ટર થયેલા છુટાછેડા ગેરકાયદે હોવાનું જણાવી ડોમેસ્ટિક વાયોલેન્સ એકટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કામે સદરહુ ફરિયાદમા કોર્ટના અંતિમ નિર્ણય સુધીની પુત્રની વચગાળાની કસ્ટડી, ભરણપોષણ અને ભાડાની રકમની માગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોએ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા અને થયેલ રજુઆતો સાંભળ્યા બાદ ભરણપોષણ અને ભાડું નામંજુર કરી સગીર પુત્રની વચગાળાની કસ્ટડી કેસ ચાલતા સુધી પુર્વ પત્ની નિશાબેનને સોંપવાનો હુકમ ફરમાવેલો હતો. બાદ ધીરેન મકાસણાએ સગીર પુત્રની વચગાળાની કસ્ટડી સોંપવાનો હુકમ રદ કરવા માટે એપેલન્ટ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલ ચાલતા દરમ્યાન બંને પક્ષકારોએ દ્વારા રજુ રાખેલા દસ્તાવેજી પુરાવા અને વકીલોની દલીલોના અંતે એપેલન્ટ કોર્ટે નોંધ્યું કે, સગીર બાળકનું હિત, કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય જળવાઈ રહે, તે માટે સગીર બાળકનો કબજો હાલમાં પિતા પાસે હોય તેમાં વિક્ષેપ કરી શકાય નહીં, સગીર બાળકની દેખભાળ, સુરક્ષા, શિક્ષણ માટેની જવાબદારી સહિતના દરેક પાસા વિચારણામાં લેતા ટ્રાયલ કોર્ટ દ્વારા સગીર પુત્રનો કબજો પુર્વ પત્ની નિશાબેનને સોંપવાનો થયેલો હુકમ રદ કરી એપેલેન્ટ કોર્ટેસગીર પુત્રનો કબજો પિતા પાસે રહે તે યોગ્ય હોવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કામમાં એપેલન્ટ વતી એડવોકેટસ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા, લીગલ આસિ. દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી, મીતરાજ રાઠોડ રોકાયા હતા.

