New Delhi, તા.15
આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ એક અજીબ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જ્યાં તેમની સૌથી મોટી તાકાત ગણાતા જસપ્રીત બુમરાહ પાંચ મેચ બાદ પણ એક પણ વિકેટ લઈ શક્યા નથી.
આ તેમની કારકિર્દીનો સૌથી લાંબો વિકેટ વિહોણો સમય ગણાય છે. જોકે તેઓ ઓછા રન આપી રહ્યા છે, તે બતાવે છે કે બુમરાહનો `ડર’ જ હવે તેમની સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, ટીમો બુમરાહને “માન” આપી રહી છે (ઓવર દીઠ માત્ર 8 રન) અને અન્ય બોલરો (ઇકોનોમી 11+) ને “રિમાન્ડ” પર મૂકી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની હાર પછી સ્પષ્ટ થયું છે કે, બુમરાહની વિકેટનો અભાવ તેના ખરાબ ફોર્મને કારણે નથી, પરંતુ વિરોધી ટીમ દ્વારા ઇરાદાપૂર્વકની રણનીતિને કારણે છે.
આંકડા મુજબ બુમરાહ આ સિઝનમાં પણ મુંબઈના સૌથી કિફાયતી બોલર છે. RCB સામેની મેચમાં ટીમે જ્યાં 12 રન પ્રતિ ઓવર મુજબ 240 રન આપ્યા હતા, ત્યાં બુમરાહે માત્ર 8.75 રન પ્રતિ ઓવર આપીને બોલિંગ કરી. છતાં સમસ્યા વિકેટની છે. તેઓ 122 બોલ ફેંક્યા છતાં એક પણ વિકેટ મેળવી શક્યા નથી, જે તેમના માટે પ્રથમ વખત બન્યું છે.
આંકડાઓ બતાવે છે કે, બેટ્સમેન બુમરાહ સામે જોખમ લીધા વગર રમે છે, જ્યારે અન્ય બોલરો સામે આક્રમણ કરે છે. આ જ કારણ છે કે, બુમરાહની રણનીતિ ટોચના 10 બોલરોમાં સામેલ છે, પરંતુ વિકેટ કોલમ શૂન્ય છે. જ્યાં સુધી ટ્રેન્ટ બોલ્ટ (4 મેચમાં 1 વિકેટ) જેવો બોલર બીજા છેડેથી દબાણ ન બનાવે, ત્યાં સુધી ટીમો બુમરાહને સરળતાથી રમતા રહેશે.
મુંબઈનો કુલ બોલિંગ સરેરાશ 55 અને સ્ટ્રાઈક રેટ 29.6 છે, જે આ સીઝનમાં તમામ ટીમોમાં સૌથી ખરાબ છે. આનો અર્થ એ છે કે, મુંબઈને દરેક વિકેટ માટે લગભગ 30 બોલ ફેંકવા પડે છે. બુમરાહની કિફાયતી બોલિંગ હોવા છતાં બીજા બોલરોની 11.13 ઈકોનોમી દર્શાવે છે કે તેમને બીજા છેડે કોઈ ખાસ સપોર્ટ મળતો નથી.
રસપ્રદઃ ડોટ બોલનો ઘટાડો, બાઉન્ડ્રીનો વરસાદ
► મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં એકમાત્ર એવી ટીમ છે, જેમાં ડોટ બોલનો સૌથી ઓછો અને બાઉન્ડ્રીનો સૌથી વધુ ટકાવારી છે.
► છેલ્લા ચાર મેચોમાં છેલ્લી પાંચ ઓવરમાં મુંબઈની સરેરાશ પ્રતિ વિકેટ 33 રન રહી છે, જે રાજસ્થાન પછી બીજા ક્રમે સૌથી ખરાબ છે.
► રાજસ્થાન અને ગુજરાતે અત્યાર સુધીમાં અનુક્રમે 32 અને 27 વિકેટ લીધી છે, જ્યારે મુંબઈની આખી ટીમ માત્ર 14 વિકેટ જ મેળવી શકી છે.

