વન વિભાગ દ્વારા અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી ડેટા લોગ કરાયો સત્તાવાર આંકડાઓ હવે પછી જાહેર થશે
Junagadh, તા. ૯ઃ
વન વિભાગ દ્વારા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગીરના જંગલ વિસ્તારોમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની બે દિવસીય વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આધુનિક અને ચોક્કસ પદ્ધતિથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સંપૂર્ણ દેખરેખ હેઠળ ગીર નેશનલ પાર્ક, ગીર અભયારણ્ય, પાણીયા, મિતિયાળા તેમજ જૂનાગઢના ગિરનાર અભ્યારણ્ય સહિતના તમામ સંરક્ષિત વિસ્તારોમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. અને વનકર્મીઓ જંગલના નિયત રૂટ પર પેટ્રોલિંગ કરીને અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી ડેટા લોગ કર્યો છે.
આ ગણતરી દરમિયાન ગીરના જંગલોમાં વસતા ચિત્તલ, સાબર, નીલગાય, ચિંકારા, ચાર શિંગડાવાળા કાળિયાર અને જંગલી ભૂંડ જેવા મુખ્ય તૃણાહારી પ્રાણીઓની સંખ્યાની નોંધણી કરવામાં આવી હતી તથા આ વખતે ગણતરીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે વન વિભાગ દ્વારા એમ-સ્ટ્રાઈપ્સ જેવી આધુનિક મોબાઈલ એપ્લિકેશન અને જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એક વાત મુજબ, વન વિસ્તારમાં સિંહ અને દીપડા સહિતના અનેક માંસાહારી વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે. ત્યાતૃણાહારી પ્રાણીઓની સંખ્યાની ચોક્કસ ગણતરી કરી, સિંહ અને દીપડા સહિતના અનેક માંસાહારી વન્ય જીવો માટે પૂરતો શિકાર ઉપલબ્ધ છે કે નહીં, તે સિવાય તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તીનો ચોક્કસ આંકડો મેળવવા માટે આ ગણતરી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ સાથે આ ગણતરી ભવિષ્યમાં વન્યજીવ સંરક્ષણની વ્યૂહરચના ઘડવા માટે પણ મદદરૂપ સાબિત થશે.

